ઝાયડસ કેડિલાના રાજીવ મોદી અને તેમના પત્નીએ છુટાછેડા માટે અરજી કરી
અમદાવાદ ફેમિલી કોર્ટમાં હિન્દૂ મેરેજ એકટની કલમ 13/1/B મુજબની થઈ અરજી, બંને જણાએ સંમતિથી છૂટાછેડા લેવા કરી અરજી
અમદાવાદઃ ઝાયડસ કેડીલાના માલિક રાજીવ મોદી અને તેમના પત્ની મોનીકા મોદીએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં છુટાછેડા માટે અરજી કરી છે. તેમણે હિન્દુ મેરેજ એક્ટની કલમ 13/1/Bના આધારે આ અરજી કરી છે. બંનેએ સંમતિપૂર્વક લગ્નસંબંધ સમાપ્ત કરવા તૈયારી દર્શાવી છે. હિન્દુ મેરેજ એક્ટની આ કલમ મુજબ જો બંને પક્ષકાર રાજીખુશીથી છુટાછેડા લેવા માગતા હોય તો તેઓ લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની જાણીતી કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના માલીક રાજીવ મોદી અને તેમના પત્નિ મોનિકા મોદી વચ્ચે 29 ઓગસ્ટની સાંજે થયેલો ઝઘડો મોડી રાત્રે સોલા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં આખી રાત પતિ, પત્ની અને ગુજરાતના નામચીન વકીલો વચ્ચે ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું.
રાજીવ મોદીના પત્નિ મોનિકા મોદીએ તેમના પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. મોનિકા મોદીએ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા બંગલામાં માર માર્યાનો પતિ પર આક્ષેપ કર્યો હતો. આ ફરિયાદ બાદ પોલીસ સ્ટેશનની બહાર લક્ઝુરીયસ કારનો કાફલો જમા થયો હતો. રાજીવ અને મોનિકા મોદીના પુત્રને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવાયો હતો.
પોલીસ સ્ટેશનમાં આખી રાત ચાલેલા આ હાઈપ્રોફાઈલ ડ્રામામાં એક અજાણી મહિલાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ સમયે એવી ચર્ચા થઈ હતી કે, આ બંને દંપતી વચ્ચે આખરે સમાધાન કઈ બાબતે થયું. હવે, બંનેએ સંમતિપૂર્વક છૂટાછેડા લેવા માટે અમદાવાદ ફેમિલી કોર્ટમાં અરજી કરી છે.