કોરોનાને કારણે ટેલિમેડીસીન્સના ક્ષેત્રે ગતિ, સ્ટ્રોક કેરને પર પડી મોટી અસર: રિસર્ચ
આ અભ્યાસમાં કોવિડ-19ના મહામારી દરમ્યાન સ્ટ્રોકના પડકારોની ચર્ચા કરવામાં આવી છે. આ અભ્યાસ પ્રસિધ્ધ એનાલ્સ ન્યૂ યોર્ક એકેડેમી ઓફ સાયન્સીસમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
કોવિડ-19ના મહામારીને કારણે ગુજરાત સહિત ભારતમાં સ્ટ્રોકની સારવારને નોંધપાત્ર અસર થઈ છે અને સ્થિતિ પડકારજનક થઈ છે. તેવુ એઈમ્સ, દિલ્હી, પીજીઆઈ ચંદીગઢ અને સીએમસી લુધીયાણા સહિતના 13 સુસ્થાપિત સ્ટ્રોક સેન્ટરના નિષ્ણાતોને આવરી લેતા આ અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે. આ અભ્યાસમાં કોવિડ-19ના મહામારી દરમ્યાન સ્ટ્રોકના પડકારોની ચર્ચા કરવામાં આવી છે. આ અભ્યાસ પ્રસિધ્ધ એનાલ્સ ન્યૂ યોર્ક એકેડેમી ઓફ સાયન્સીસમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
દેશના ટોચના 13 સ્ટ્રોક કેર સેન્ટરના ન્યુરોલોજીસ્ટ દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી એનએચએલ મ્યુનિસિપલ મેડીકલ કોલેજ, સ્ટર્લીંગ હૉસ્પિટલ, ઝાયડસ હૉ,પિટલ અને ન્યૂરો 1 આ અભ્યાસનો હિસ્સો બન્યા હતા. ચંદીગઢ, બેંગલુરૂ, થિરૂઅનંતપૂરમ, પુના, મુંબઈ અને કોલકતાનાં હૉસ્પિટલ્સ/ ઈન્સ્ટિટ્યુટસ પણ આ અભ્યાસનો હિસ્સો બન્યાં હતાં. આ અભ્યાસમાં ડો. સુધીર શાહ, ડો. અરવિંદ શર્મા, અને ડો. પલ્લબ ભટ્ટાચાર્ય જેવા ગુજરાતના પ્રસિધ્ધ ન્યુરોલોજીસ્ટસ અને ન્યુરોસાયન્ટીસ્ટ સામેલ થયા હતા.
એનએચએલ મ્યુનિસિપલ મેડીકલ કોલેજ અને સ્ટર્લીંગ હૉસ્પિટલના ન્યૂરોલોજીકલ વિભાગના વડા ડો. સુધીર શાહે જણાવ્યું હતું કે “ લૉકડાઉન પછી હૉસ્પિટલમાં સાપ્તાહિક ધોરણે આવતા કેસમાં આશરે 61.22 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઈન્ટ્રાવેનિયસ થ્રોમ્બોલીસીસ અને એન્ડોવાસ્ક્યુલર પ્રોસીજરમાં પણ ભારે ઘટાડો થઈ તે અનુક્રમે 64.76 ટકા અને 67.21 ટકા થઈ ગઈ છે. કેસમાં થયેલો આ ઘટાડો કોવિડ-19 માટે નક્કી કરાયેલાં અને નહી કરાયેલા હૉસ્પિટલ બંનેમાં સમાનપણે જોવા મળ્યો છે.“ અભ્યાસમાં એ બાબતે પણ નોંધ લેવામાં આવી છે કે કોવિડ-19ની અસર ભારત અને અમેરિકામાં એક સરખી જોવા મળી છે.
નાઈપર અમદાવાદના ન્યુરોલોજીસ્ટ ડો. પ્રલભ ભટ્ટાચાર્ય જેમણે નાઈપર, ગાંધીનગરનાં ડિરેકટર કીરણ કાલીયા સાથે મળીને આ અભ્યાસ હાથ ધર્યો છે તે જણાવે છે કે “સમાન પ્રકારે અમેરિકામાં રિપરફ્યુઝન થેરાપી અને થ્રોમ્બેકટોમીમાં પણ ઘટાડો થયો છે જે ભારત કરતાં પણ ઓછો છે.” ડો. ભટ્ટાચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા સાથે તુલના કરીએ તો ભારતમાં સ્ટ્રોકનુ પ્રમાણ વધારે રહે હોય છે અને ભારતમાં નોંધાતા કેસ તીવ્ર પ્રકારના તથા વધુ તકલીફ આપનારા હોય છે.
અભ્યાસમાં એવુ જણાયુ છે કે બંનેમાંથી એક પણ દેશની જાહેર આરોગ્ય વ્યવસ્થાએ કોરોના-19 દરમ્યાન સ્ટ્રોક જેવી જીવને જોખમરૂપ બીમારી માટે જાગૃતી ઉભી કરવાના અથવા તો લોકોના હૉસ્પિટલમાં દાખલ થવાનો ડર નીવારવાના સક્રિય પ્રયાસો કર્યા નથી. આ હકિકત દર્શાવે છે કે જાહેર આરોગ્ય વ્યવસ્થા આ મહામારી સાથે કામ પાર પાડવાની તૈયારી દર્શાવતી નથી.
ઝાયડસ હૉસ્પિટલના સ્ટ્રોક સ્પેશ્યાલિસ્ટ અને સિનિયર કન્સલ્ટન્ટ ડો. અરવિંદ શર્મા, કે જે આ અભ્યાસના લેખકોમાંના એક છે તેમને જણાવ્યું હતું કે “કોવિડ-19ના મહામારીને નિયંત્રિત કરવામાં જે પગલાં લેવાયાં છે તેને કારણે સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. લૉકડાઉન વાયરસને નિયંત્રિત કરવામાં તો સફળ પ્રાપ્ત થઈ જ છે, પણ કાળજી લેનારનુ સમયસર કન્સલ્ટેશન કરી શકવામાં મુશ્કેલીના કારણે સ્ટ્રોકના ગૌણ કેસનુ નિદાન થઈ શક્યુ નથી.”
અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે સ્ટ્રોકની બીમારીમાંથી બહાર આવેલા લોકોને ફોલો-અપ કેર મેળવવામાં તકલીફ પડી રહી છે. તેના કારણે કાર્ડિયોવાસ્ક્યુલર ઘટનાઓમાં વધારો થઈ શકે છે, આમ છતાં તેમણે નોંધ્યુ છે કે કોરોના રોગ ફેલાવાને કારણે ટેલિમેડીસીન્સના ક્ષેત્રે ગતિ આવી છે.
અભ્યાસના અંત ભાગમાં જણાવવામાં આવ્યુ છે કે “વર્તમાન સમય જેવી કટોકટીભરી પરિસ્થિતિમાં સારવારનાં વિવિધ પાસાની પુન:ગોઠવણ થાય તે આવશ્યક છે. જાહેર આરોગ્ય વ્યવસ્થામાં સ્ટ્રોક અંગે જાગૃતી વધે અને તાકીદે સારવાર, પુનર્વસનના આયોજન, ટેલિસર્વિસીસ, અને વરચ્યુઅલ ચેક-ઈન માટે આપવા યોગ્ય વ્યુહરચના અપનાવાય તે આવશ્યક છે. આવુ થઈ શકશે તો સ્ટ્રોક કેરનુ સાતત્ય જળવાશે અને મોર્બીડીટી અને મૃત્યુમાં ઘટાડો થશે.”
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube