Watermelon: શું ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ ખાઈ શકે? તેની બ્લડ શુગર પર શું અસર પડે...જાણો વિગતો
શું ડાયાબિટીસના દર્દીઓ આ મીઠું ફળ ખાઈ શકે ખરા? ડાયાબિટીસમાં તરબૂચના સેવનથી બ્લડ શુગર લેવલ પર કેવી અસર પડે તે પણ જાણવું જરૂરી છે.
ઉનાળામાં હાઈડ્રેટિંગ ફ્રૂટ્સ લોકોના ડાયેટનો મહત્વનો ભાગ હોય છે. તેમાં તરબૂચ લોકોને વધુ ખાવું ગમે છે. મીઠા સ્વાદના કારણે તરબૂચ શુગરની ક્રેવિંગ હોય તો તેને પણ ઓછી કરે છે અને સાથે સાથે ભરપૂર પ્રમાણમાં પાણી હોવાથી શરીરમાં હાઈડ્રેશન પણ જાળવી રાખે છે. તરબૂચમાં અનેક પોષક તત્વો મળી આવે છે. જે સારા સ્વાસ્થ્ય ને પ્રોત્સાહન આપે છે. પરંતુ શું ડાયાબિટીસના દર્દીઓ આ મીઠું ફળ ખાઈ શકે ખરા? ડાયાબિટીસમાં તરબૂચના સેવનથી બ્લડ શુગર લેવલ પર કેવી અસર પડે તે પણ જાણવું જરૂરી છે.
શું કહે છે એક્સપર્ટ્સ?
હેલ્થ એક્સપર્ટ્સ ડાયાબિટીસના દર્દીઓને કોઈ પણ ચીજના સેવન પહેલા તે સંલગ્ન ફાયદા અને નુકસાન તથા તે વસ્તુના ગ્લાઈસેમિક ઈન્ડેક્સની તપાસ કરવાની સલાહ આપે છે. ગ્લાઈસેમિક ઈન્ડેક્સ કે જીઆઈ (GI) એક માપ છે જેનો ઉપયોગ એ નિર્ધારિત કરવામાં થાય છે કે કોઈ ભોજન તમારા બ્લડ શુગરના સ્તરને કેટલું પ્રભાવિત કરી શકે છે. જીઆઈનું માપ 0થી 100 સુધી હોય છે અને જે ખાદ્ય પદાર્થનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ જેટલું ઓછું હોય તે ડાયાબિટીસના દર્દીઓ માટે એટલું જ સુરક્ષિત ગણવામાં આવે છે.
સામાન્ય રીતે 70 કે તેનાથી વધુ GI વાળા કોઈ પણ ખાદ્ય પદાર્થને હાઈ ગ્લાઈસેમિક ઈન્ડેક્સની કેટેગરીમાં રાખવામાં આવે છે અને ડાયાબિટીસના દર્દીઓને આવા પદાર્થો ન ખાવાનું સલાહ અપાય છે. તરબૂચની વાત કરીએ તો મેડિકલ ન્યૂઝ ટુડેના રિપોર્ટ મુજબ તરબૂચનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ લગભગ 72 હોય છે. જો કે તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને સાથે સાથે તેમાં ફાઈબર પણ વધુ પ્રમાણમાં હોય છે. આવામાં એક્સપર્ટ્સ ડાયાબિટીસના દર્દીઓને એક મર્યાદિત માત્રામાં તરબૂચ ખાવાની સલાહ આપે છે.
જો કે તેનાથી અલગ અનેક રિસર્ચર્સનું માનવું છે કે જો તમે ડાયાબિટીસથી પીડિત હોવ તો ગ્લાઈસેમિક ઈન્ડેક્સથી અલગ ગ્લાઈસેમિક લોડ પર વધુ ધ્યાન આપવું એ ફાયદાકારક છે. ગ્લાઈસેમિક લોડ તમારા ભોજનની સંખ્યા કે મૂલ્ય છે જે દર્શાવે છે કે ભોજન અને તેનું પ્રમાણ ખાધા બાદ કોઈ વ્યક્તિનું ગ્લૂકોઝ સ્તર કવી રીતે વધશે. ગ્લાઈસેમિક લોડ પણ જેટલું ઓછું હશે તે ડાયાબિટીસના દર્દીઓ માટે એટલું જ સુરક્ષિત ગણવામાં આવશે. એકબાજુ જ્યાં તરબૂતનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વધુ છે પરંતુ તેનો ગ્લાઈસેમિક લોડ ખુબ જ ઓછો (ફક્ત 2) હોય છે. આ રીતે મર્યાદિત પ્રમાણમાં તરબૂચનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય ગણી શકાય.
આ વાતનું ધ્યાન રાખો
તમામ વાતોનું ધ્યાન રાખતા ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ ખાઈ શકે છે. પરંતુ સવારે ખાલી પેટે કે રાતે સૂતા પહેલા આ ફળ ખાતા બચો. તમે લંચ કે સાંજે નાસ્તા તરીકે તરબૂચને ડાયેટમાં સામેલ કરી શકો છો. તરબૂચના જ્યૂસનું સેવન ન કરો. એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ જ્યૂસ બનાવવાથી શુગરનું પ્રમાણ વધી શકે છે. આવામાં ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ કાપીને જ ખાય. આ સાથે જ તેને હેલ્ધી ફેટ અને પ્રોટીન સાથે બેલેન્સ કરો. હેલ્ધી ફેટ અને પ્રોટીન બ્લડ શુગરના એબ્ઝોર્બને ધીમું કરે છે. આ પ્રકારે થોડી વાતોનું ધ્યાન રાખીને આ સ્વાદિષ્ટ ફળની મજા માણી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)