શું તમે પણ રોજ સવારે ખાલી પેટે દૂધનું સેવન કરો છો? તો ખાસ વાંચો... નહીં તો પસ્તાશો
દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે દૂધમાં શરીરને જરૂરી તમામ પોષક તત્વો રહેલા છે. રોજ દૂધના સેવનથી તમારું શરીર એકદમ તંદૂરસ્ત રહે છે. પરંતુ જો દૂધનું સેવન ખોટા પ્રકારે કરવામાં આવે તો ફાયદા તો દૂરની વાત રહે પરંતુ સમસ્યા ચોક્કસપણે ઊભી થઈ શકે છે. તમે પણ જો દૂધ નિયમિતપણે પીતા હોવ તો આ લેખ ખાસ વાંચજો.
અનેક લોકો દૂધને સંપૂર્ણ આહાર ગણીને તેનું સવારે ખાલી પેટે જ સેવન કરતા હોય છે. એમ સમજે છે કે સ્વાસ્થ્ય માટે તે ખુબ સારું છે. તમારા માટે એ જાણવું ખુબ જરૂરી છે કે દૂધનું સવારે ખાલી પેટે સેવન કરવું જોઈએ કે નહીં? શું સવારે ખાલી પેટે દૂધ પીવું ફાયદાકારક છે ખરું? સવારે તમે જે પણ ચીજનું સેવન કરો તેની અસર આખો દિવસ રહી શકે છે. આથી સવારે ખાલી પેટે શું ખાવું જોઈએ અને શું નહીં તે ખાસ જાણવું જરૂરી છે.
ખાલી પેટે દૂધનું સેવન
દૂધમાં જે પોષક તત્વો છે તેને તે સંપૂર્ણ આહાર બનાવે છે તેમાં કોઈ બેમત નથી. પરંતુ સવારે ઉઠીને ફર્સ્ટ મીલ તરીકે દૂધનું સેવન નુકસાનકારક નીવડી શકે છે. દૂધના સેવન અંગે આયુર્વેદમાં અનેક વાત કહેવામાં આવી છે. આર્યુવેદ મુજબ સવારે ખાલી પેટે દૂધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. આ ઉપરાંત દૂધ પીવા અંગે કેટલાક રિસર્ચ અને અભ્યાસમાં પણ એવું જાણવા મળ્યું છે કે સવારે ખાલી પેટે દૂધ પીવાથી કેટલાક લોકોને નુકસાન થઈ શકે છે. સવારે ખાલી પેટે દૂધનું સેવન દરેક વ્યક્તિની પાચન ક્ષમતા પર નિર્ભર કરે છે. જો તમે ગેસની સમસ્યાથી પીડાતા હોવ તો સવારે ખાલી પેટે દૂધ પીવું તમારા માટે નુકસાનકારક બની શકે છે. તમારી પાચનક્રિયા ધીમી પડી શકે છે. જો કે દરેક વ્યક્તિમાં તે અલગ અલગ રીતે હોય છે આથી સવારે ખાલી પેટે દૂધ પીતા પહેલા તમારે ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
થઈ શકે છે આ નુકસાન
દૂધ સંપૂર્ણ આહાર ગણાતો હોવાના કારણે સવારે કેટલાક લોકો નાશ્તા સાથે કે નાશ્તામાં તેનું સેવન કરે છે. પરંતુ દૂધ પીતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ખાલી પેટે દૂધ પીવું કેટલાક લોકો માટે નુકસાનકારક નીવડી શકે છે. પાચન સંબધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. હાઈપર એસિડિટીની સમસ્યાવાળા લોકોએ સવારે ખાલી પેટે દૂધ પીતા બચવું જોઈએ.
1. જેમનું પાચનતંત્ર નબળું હોય તેમણે ખાલી પેટે દૂધ પીવું ન જોઈએ. નબળી પાચનક્રિયાવાળા લોકો માટે સવારે ખાલીપેટે દૂધ પીવું નુકસાનકારક નીવડી શકે છે. ગેસ્ટ્રિક સમસ્યાઓ થઈ શકે છે. ડાયેરિયા કે ઉલ્ટીની સમસ્યા પણ થઈ શકે છે.
2. કોઈ એલર્જીથી પીડાતા હોવ તો સવારે ખાલી પેટે દૂધ ન પીવું જોઈએ. ખાલી પેટે દૂધ પીવાથી સમસ્યા વધી શકે છે.
3. કફ કે ફ્લૂની સમસ્યા હોય તો ખાલી પેટે દૂધ ન પીવું જોઈએ. તેનાથી સમસ્યા વધી શકે છે.
4. એસિડિટી કે અન્ય ગેસ્ટ્રિક સમસ્યા હોય તો ખાલી પેટે દૂધ પીવાથી બચવું જોઈએ. અનેક લોકો સવારે ખાલી પેટે કાચુ દૂધ પી લે છે. આમ કરવું પણ તમારા માટે નુકસાનકારક નીવડી શકે છે. આવી કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો ડોક્ટરની સલાહ બાદ દૂધનું સેવન કરવું જોઈએ.
જો કે તમારા માટે એ વાત જાણવી પણ એટલી જ જરૂરી છે કે સવારે ખાલી પેટે દૂધ પીવાથી કેટલાક લોકોને ફાયદો પણ થઈ શકે છે. પરંતુ જો ઉપર જણાવેલી કોઈ પરેશાનીથી પીડાતા હોવ તો તમારે તેના ખાલી પેટે સેવનથી બચવું જોઈએ.લેક્ટોઝ ઈનટોલરન્સવાળા લોકો માટે પણ સવારે ખાલી પેટે દૂધનું સેવન નુકસાનકારક હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube