Tirzepatide: ડાયાબિટીસ અને મોટાપાની `રામબાણ` દવાને ભારતમાં મળી મંજૂરી, જાણો તમને ક્યારથી મળી શકશે?
Tirzepatide: ભારતમાં ડાયાબિટીસ અને મોટાપા સામે ઝઝૂમી રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. અમેરિકી દવા કંપની એલી લિલીએ બનાવેલી બ્લોકબસ્ટર દવા ટિરઝેપ્ટાઈડને ભારતમાં લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે.
ભારતમાં ડાયાબિટીસ અને મોટાપા સામે ઝઝૂમી રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. અમેરિકી દવા કંપની એલી લિલીએ બનાવેલી બ્લોકબસ્ટર દવા ટિરઝેપ્ટાઈડને ભારતમાં લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ દવા ટાઈપ 2 ડાયાબિટીસ અને વજન ઓછું કરવા માટે કારગર માનવામાં આવે છે.
ભારતની દવાઓના નિયામક સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની એક એક્સપર્ટ કમિટીએ આ દવાની આયાત અને માર્કેટિંગ માટે મંજૂરી આપી દીધી છે. જો કે આ ખબરની સાથે એક નાનકડી નિરાશા પણ જોડાયેલી છે. કારણ કે આ દવા દર્દીઓ સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે. એલી લિલીના સૂત્રોના જણાવ્યાં મુજબ કંપનીએ હજુ દવાની ગ્લોબલ સપ્લાય ચેનની સ્થિતિની સમીક્ષા કરવાની છે. શક્ય છે કે દવાને ભારતમાં આગામી વર્ષે જ લોન્ચ કરવામાં આવી શકે. અમેરિકામાં પણ આ દવાની ખુબ ડિમાન્ડ છે. જેના કારણે અનેક ડોઝમાં હજુ પણ કમી જોવા મળી રહી છે.
ટિરઝેપ્ટાઈડ કેવી રીતે કામ કરે છે
ટિરઝેપ્ટાઈડ એક ઈન્જેક્શનવાળી દવા છે. તે શરીરમાં ગ્લૂકોગન-લાઈક પેપ્ટાઈડ-1(GLP-1) હોર્મોનની જેમ કામ કરે છે. GLP-1 હોર્મોન શરીરમાં ઈન્શ્યુલિનના લેવલને વધારે છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સાથે જ તે ભૂખ ઓછી કરવાનું અને મેટાબોલિઝમને વધારીને વજન ઓછું કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
રિસર્ચના સારા પરિણામ
અમેરિકા અને અનેક અન્ય દેશોમાં કરાયેલા ક્લિનિકલ ટ્રાયલમાં ટિરઝેપ્ટાઈડના ખુબ જ પોઝિટિવ પરિણામ સામે આવ્યા છે. આ ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે આ દવા ટાઈપ 2 ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં કારગર છે એટલું જ નહીં, પરંતુ તે મોટાપાથી પીડાતા લોકોનું વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. કેટલાક મામલાઓમાં તો દર્દીઓનું શરીર 15થી 20 ટકા સુધી ઓછું થઈ ગયું.
ભારતમાં મોટાપા અને ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા
ભારતમાં ડાયાબિટીસ અને મોટાપો એક ગંભીર સમસ્યા બની ચૂક્યા છે. દર વર્ષે લાખો લોકો આ બીમારીઓની ઝપેટમાં આવે છે. આવામાં ટિરઝેપ્ટાઈડ જેવી દવાઓ ડાયાબિટીસ અને મોટાપા સામે ઝઝૂમી રહેલા લોકો માટે એક નવી આશા જગાડે છે. જો કે આ દવા હાલ આયાતી હશે અને શરૂઆતમાં તેની કિંમત થોડી વધુ હોઈ શકે છે. પરંતુ એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે ભવિષ્યમાં ભારતમાં જ આ દવાનું નિર્માણ શરૂ થઈ જાય તો તેનો ભાવ પણ ઘટી શકે છે અને તે સામાન્ય લોકો માટે પણ સુલભ બની શકશે.