અટલ બિહારી વાજપેયીના સન્માનમાં PM મોદીએ `સ્મારક સિક્કો` બહાર પાડ્યો, જાણો ખાસિયતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો. આ સિક્કા પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીર છે. 25 ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાનની જયંતી છે. આ અવસરે સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. સરકારે તેમની 95મી જન્મતિથીને આ સિક્કો બહાર પાડીને ખાસ બનાવી છે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે અટલજીનો સિક્કો અમારા હ્રદય પર 50 વર્ષથી વધુ ચાલ્યો. આપણે જો તેમના આદર્શો પર ચાલીએ તો આપણે પણ અટલ બની શકીએ છીએ. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ.
સિક્કાની બીજી બાજુ અશોક સ્તંભ
સિક્કાની બીજી બાજુ અશોક સ્તંભ છે. સિક્કાની એક બાજુ પૂર્વ વડાપ્રધાનનું આખુ નામ દેવનાગરી અને અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે. જ્યારે તસવીરના નીચલા ભાગમાં વાજપેયીનું જન્મવર્ષ 1924 અને દેહાંત વર્ષ 2018 અંકિત કરાયું છે. આ સિક્કાનું વજન 35 ગ્રામ છે. સિક્કાની ડાબી બાજુ પિરિધિ પર દેવનાગરી લિપિમાં ભારત અને જમણી બાજુ અંગ્રેજીમાં ઈન્ડિયા લખાયું છે.
100 રૂપિયાના મૂલ્યવર્ગમાં રાખી શકાય છે સિક્કો
આ સ્મારક સિક્કાને 100 રૂપિયાના મૂલ્ય વર્ગમાં રાખવાનો પ્લાન છે, સિક્કો જો કે ચલણમાં નહીં આવે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સિક્કો 3300થી 3500 રૂપિયાના પ્રીમીયર દરે વેચાય તેવી આશા છે.
સિક્કામાં આ ધાતુઓ હશે સામેલ
35 ગ્રામના આ સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને 5 ટકા જસત હશે. 100 રૂપિયાની કિંમતવાળો આ સિક્કો ચલણમાં ચાલશે નહીં. ભારત સરકાર સિક્કાના બુકિંગ માટે સમય નક્કી કરશે અને તેને પ્રીમિયમ દરો પર વેચવામાં આવશે. તેને ટંકશાળમાંથી સીધા ખરીદવામાં આવશે.
અત્રે જણાવવાનું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું આ જ વર્ષે 16 ઓગસ્ટના રોજ 93 વર્ષની ઉંમરે દેહાંત થયું હતું. તેમણે ત્રણવાર દેશના વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી હતી. ઉત્તરાખંડ સરકારે પહેલા જ દહેરાદૂન એરપોર્ટનું નામ બદલીને પૂર્વ વડાપ્રધાનના નામ પર કરવાની જાહેરાત કરેલી છે. આ અગાઉ લખનઉના મશહૂર હજરતગંજ ચોકનું નામ પણ બદલીને અટલ ચોક કરાયું હતું.
સિક્કાની ખાસિયતો પર ફેરવો નજર...
- સિક્કા પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીર હશે.
- સિક્કાની બીજી બાજુ અશોક સ્તંભ હશે. તેના પર એક બાજુ પૂર્વ વડાપ્રધાનનું નામ દેવનાગરી અને અંગ્રેજી ભાષામાં અંકિત હશે.
- તસવીરના નીચેના ભાગમાં વાજપેયીનું જન્મવર્ષ 1924 અને દેહાંતનું વર્ષ 2018 અંકિત હશે.
- સિક્કાનું વજન 35 ગ્રામ હશે અને તેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને 5 ટકા જસત હશે. સરકાર સિક્કાના બુકિંગ માટે સમય નક્કી કરશે. સિક્કાને પ્રિમિયમ કિંમતે વેચવામાં આવશે. ટંકશાળથી સીધા પણ ખરીદવામાં આવશે.
- સિક્કાને 3300થી 3500 રૂપિયાના પ્રિમિયમ દરે વેંચવામાં આવે તેવું કહેવાય છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...