ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1334 કેસ, 27 મૃત્યુઃ સ્વાસ્થ્ય મંત્રાલય
રાહતના સમાચાર છે કે 23 રાજ્યોના 54 જિલ્લામાં છેલ્લા 14 દિવસથી કોરોનાનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી.
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 15712 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1334 નવા કેસ સામે આવ્યા છે. તો 27 લોકોના મોત પણ થયા છે. 12974 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી 2231 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાહતના સમાચાર છે કે 23 રાજ્યોના 54 જિલ્લામાં છેલ્લા 14 દિવસથી કોરોનાનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. કાલ સુધી જિલ્લાની સંખ્યા 47 હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ માહિતી આપી છે.
અગ્રવાલે જણાવ્યું, 'જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલે કહ્યું હતું કે, આજે રાતથી કેટલાક જિલ્લામાં છૂટ મળશે, જ્યાં હોટસ્પોટ નથી. સૌથી વધુ ધ્યાન રાખવાની તે વાત છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં. ત્યાં માત્ર જરૂરી સેવાઓની મંજૂરી રહેશે. જે વિસ્તારમાં છૂટ આપવામાં આવશે ત્યાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. જ્યાં છૂટ આપવામાં આવી છે, જો ત્યાં એક પણ કેસ આવશે તો છૂટ પરત લઈ લેવામાં આવશે.'
અગ્રવાલે કહ્યું, ધાર્મિક સ્થળ અને કાર્યક્રમ પણ 3 મે સુધી બંધ રહેશે. અમારો પ્રયત્ન છે કે ધીરે-ધીરે સ્થિતિ સામાન્ય થાય પરંતુ તેમાં ધ્યાન રાખવું પડશે કે કોઈ ભૂલ ન થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube