નવી દિલ્હી: ભારતીય રેલવેએ રવિવારે આંશિક રીતે રેલવે સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેએ કહ્યું કે તેની યોજના 12મી મેથી તબક્કાવાર મુસાફર ટ્રેન સેવા શરૂ કરવાનો છે. શરૂઆતમાં મર્યાદિત રૂટ પર 15 જોડી  ટ્રેન (અપ એન્ડ ડાઉન મળીને કુલ 30 ટ્રેનો) દોડશે. ભારતીય રેલવેએ કહ્યું કે શરૂઆતમાં તમામ 15 રાજધાની ટ્રેનોના માર્ગો પર વાતાનુકૂલિત (એસી) સેવાઓ શરૂ કરાશે. તથા તેનું ભાડું સુપર ફાસ્ટ ટ્રેનો જેટલું હશે. રેલવેએ કહ્યું કે આ ટ્રેનોમાં સીટોનું એડવાન્સ બુકિંગ કરી ચૂકેલા મુસાફરોએ ટ્રેનના છૂટવાના સમયના ઓછામાં ઓછા એક કલાક પહેલા રેલવે સ્ટેશન પહોંચવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRCTC પર આજથી બુકિંગ શરૂ
રેલવેએ કહ્યું કે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ વીન્ડો બંધ રહેશે. પ્લેટફોર્મ ટિકિટ સહિત કોઈ કાઉન્ટર ટિકિટ આપશે નહીં. ઓનલાઈન બુકિંગ ફક્ત આઈઆરસીટીસી પર સોમવારે (11 મે) સાંજે 4 વાગ્યાથી શરૂ થઈ જશે. કાઉન્ટર પર કોઈ ટિકિટ મળશે નહીં. સ્વાસ્થ્ય તપાસ સંલગ્ન પ્રક્રિયાઓ રેલવે સ્ટેશન પર જ પૂરી કરી લેવાશે. મુસાફરોએ માસ્ક પહેરવું જરૂરી રહેશે. તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. સ્ક્રિનિંગ બાદ ફક્ત એ જ લોકોને ટ્રેનમાં જવા દેવામાં આવશે જેમનામાં વાયરસ સંક્રમણના કોઈ લક્ષણો જોવા નહીં મળે. રેલવેના જણાવ્યાં મુજબ કેટરિંગની સુવિધા હાલ મળશે નહીં. 


આ 15 રૂટ પર દોડશે ટ્રેન
આ ટ્રેનો નવી દિલ્હી સ્ટેશનથી ડિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગ્લુરુ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ માટે રવાના થશે. કોવિડ 19ના કારણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે 25 માર્ચથી જ તમામ મુસાફર ટ્રેન સેવાઓ બંધ છે. 


અધિકારીએ જણાવ્યું કે શ્રમિક ટ્રેનોથી ઉલટુ આ ટ્રેનોના ડબ્બામાં તમામ 72 સીટો પર બુકિંગ થશે અને તેમાં ભાડામાં પણ કોઈ જ પ્રકારની છૂટછાટની શક્યતા નથી. નોંધનીય છે કે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં એક ડબ્બામાં વધુમાં વધુ 54 મુસાફરોને મુસાફરી કરવાની મંજૂરી છે. બુકિંગ ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટ દ્વારા જ થઈ શકશે. 


રિઝર્વેશન કરાવતી વખતે જે ટિકિટ મળશે તેના પર સ્પષ્ટપણ લખેલુ હશે કે શું કરવું અને શું ન કરવું. તેમાં દિશા નિર્દેશ પણ સામેલ હશે, જેમ કે ઓછામાં ઓછું એક કલાક પહેલા રેલવે સ્ટેશન પહોંચવું પડશે, સ્ટેશન પર મેડિકલ તપાસ, કોરોના વાયરસ સંક્રમણ સંલગ્ન અન્ય પ્રોટોકોલ, માસ્કનો ઉપયોગ જરૂરી, તથા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ વગેરે...ફક્ત કાયદેસર રિઝર્વેશન કરાવેલા ટિકિટધારકોને જ રેલવે સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી મળશે. મુસાફરી દરમિયાન ટ્રેન ખુબ જ ઓછા સ્ટેશન પર થોભશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube