નવી દિલ્હી: બોર્ડર ફિલ્મમાં અભિનેતા સની દેઓલે જે બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરીની ભૂમિકા ભજવીને વાહવાહ મેળવી હતી તેઓનું આજે નિધન થયું છે. 1971ના લોંગેવાલાના યુદ્ધમાં તેમની સૈન્ય ટુકડીએ જબરદસ્ત બહાદુરી દાખવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જ યુદ્ધ પર બોર્ડર ફિલ્મ બની હતી. મેજર કુલદીપ સિંહે અસાધારણ નેતૃત્વનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ તેમને ભારત સરકાર દ્વારા દેશના બીજા હાઈએસ્ટ ગેલેન્ટરી એવોર્ડ મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેઓ કેન્સરથી પીડાતા હતાં અને 78 વર્ષની આયુમાં મોહાલી ખાતે આજે છેલ્લા શ્વાસ લીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિગેડિયર કુલદીપ સિંહનો જન્મ 22 નવેમ્બર 1940ના રોજ એક ગુર્જર સિખ પરિવારમાં થયો હતો. તેમના પરિવારનો સંબંધ અવિભાજિત ભારતના પંજાબમાં મોંટાગોમરી સાથે હતો. તેમના જન્મ બાદ આખો પરિવાર બાલાચૌરના ચાંદપુર રૂડકી શિફ્ટ થઈ ગયો હતો. 1962માં તેમણે ગવર્મેન્ટ કોલેજ, હોશિયારપુરથી ગ્રેજ્યુએશન કર્યું. વર્ષ 1962માં ચાંદપુરી ભારતીય આર્મીમાં સામેલ થયા હતાં. 1963માં તેમને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીથી પંજાબ રેજિમેન્ટની 23મી બટાલિયનમાં કમિશન કરવામાં આવ્યાં હતાં. તેમણે 1965ના યુદ્ધમાં ભાગ લીધો હતો. યુદ્ધ બાદ તેઓ એક વર્ષ સુધી ગાઝા (ઈજિપ્ત)માં સયુંક્ત રાષ્ટ્રના મિશન પર રહ્યાં હતાં. જે સમયે લોંગેવાલામાં પાકિસ્તાની સેનાનો હુમલો થયો ત્યારે તેઓ મેજરના પદે હતાં અને સેવાનિવૃત્ત બ્રિગેડિયરના પદે થયા હતાં. 


લોંગેવાલા યુદ્ધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં છેડાયેલું યુદ્ધ સમાપ્ત થવાના આરે હતું. આ દરમિયાન 4 નવેમ્બરના રોજ મેજર કુલદીપ સિંહને સૂચના મળી કે મોટી સંખ્યામાં પાકિસ્તાનની સેના લોંગેવાલા ચોકી તરફ આગળ વધી રહી છે. લોંગેવાલા ચોકીની સુરક્ષાની જવાબદારી જે સૈન્ય ટુકડી પાસે હતી તેનું નેતૃત્વ મેજર કુલદીપ સિંહ ચાંદપુરી કરી રહ્યાં હતાં. ચાંદપુરી પાસે  તે સમયે ફક્ત 90ની આસપાસ જવાનો હતાં અને 30થી વધુ સૈનિકો પેટ્રોલિંગ પર હતાં. 120ની ટુકડી લઈને મોટી સેના સામે સામનો કરવો મુશ્કેલ હતું. ચાંદપુરી ઈચ્છત તો સૈનિકો સાથે આગળ રામગઢ નીકળી શકત પરંતુ તેમણે ચૌકીની સુરક્ષા માટે રોકાવવાનો અને પાકિસ્તાનની સેના સાથે ભીડી જવાનું નક્કી કર્યું. ત્યારે સાંજ થઈ ગઈ હતી અને અંધારામાં કોઈ પણ પ્રકારની સહાયતા મળવાની શક્યતા નહતી. 


થોડા સમયની અંદર લોંગેવાલા ચોકી પર પાકિસ્તાની ટેંકો ગોળાનો વરસાદ કરી રહ્યાં હતાં. ભારતીય સૈનિકો પણ જવાબ આપી રહ્યાં હતાં અને જીપ પર લાગેલા રિકોઈલલેસ રાઈફલ અને મોર્ટારથી ફાયરિંગ શરૂ કરી દીધી. આ એટલી તે દમદાર કાર્યવાહી હતી કે પાકિસ્તાની સેનાએ અટકવું પડયું. પાકિસ્તાનની સેનામાં લભગ 2000 જવાનો હતાં અને ભારતની ટુકડી માત્ર 100ની આસપાસ, થતાં જુસ્સો જબરદસ્ત હતો. રાત થતા સુધીમાં તો પાકિસ્તાનના 12 ટેંક તબાહ કરી નાખ્યા અને 8 કિમી દૂર તેઓને ખદેડી મૂક્યા હતાં. પાકિસ્તાનની ઈચ્છાઓ પર પાણી ફરી વળી ગયું હતું. 



મુઠ્ઠીભર સૈનિકોએ આખી રાત સામનો કર્યો. બીજા દિવસે એટલે કે 5 ડિસેમ્બર 1971ના રોજ વહેલી સવારે વાયુસેનાનું વિમાન મદદે પહોંચ્યું અને વાયુસેના પાકિસ્તાની ટેંકો અને સૈનિકો પર તૂટી પડી. બધા ઊભી પૂંછડીએ ભાગ્યાં. 6 ડિસેમ્બરના રોજ ફરી વાયુસેનાના હંટર વિમાનોએ  કહેર વર્તાવ્યો. જેના પરિણામે પાકિસ્તાનની એક આખી બ્રિગેડ અને બે રેજિમેન્ટનો સફાયો થઈ ગયો. 


પાકિસ્તાનની શરમજનક હાર
લોંગેવાલા યુદ્ધમાં પાકિસ્તાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનના 34 ટેન્ક તબાહ થઈ ગયા હતાં. 500થી વધુ જવાનો ઘાયલ  થયા હતાં અને 200 જેટલા જવાનોએ જીવ ગુમાવવો પડ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલીવાર આવું બન્યું હતું કે કોઈ સેનાના આટલી મોટી સંખ્યામાં ટેન્ક તબાહ થયા હોય. આ યુદ્ધથી પાકિસ્તાનની ખુબ બેઈજ્જતી થઈ હતી. 



મેજર કુલદીપ સિંહનું બેમિસાલ નેતૃત્વ
એવું કહી શકાય કે જો મેજર કુલદીપ સિંહ ચાંદપુરી ન હોત તો ભારતનો નક્શો બદલાઈ જાત. પાકિસ્તાની સેના રામગઢ થઈને સરળતાથી જેસલમેર પહોંચી ગઈ હોત. મેજર ચાંદપુરી ઈચ્છત તો પાકિસ્તાનની સેનાનો સામનો કર્યા વગર રામગઢ જઈ શકતા હતાં પરંતુ તેમણે દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપીને અસાધારણ નેતૃત્વનો પરિચય કરાવ્યો.