MP: જાનૈયાઓને લઈને જતી મિની ટ્રક સોન નદીમાં ખાબકી, 21ના મોત
: મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં મંગળવારે રાતે સર્જાયેલા એક ગમખ્વાર રોડ અકસ્માતમાં 21 લોકોના દર્દનાક મોત થયા છે. આ ઘટનામાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
ભોપાલ: મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં મંગળવારે રાતે સર્જાયેલા એક ગમખ્વાર રોડ અકસ્માતમાં 21 લોકોના દર્દનાક મોત થયા છે. આ ઘટનામાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ જાનૈયાઓને લઈને જતી એક મિની ટ્રક સિહાવલથી પમરિયા ગામ જઈ રહી હતી. અચાનક ટ્રક સોનનદીના પૂલના ડિવાઈડરને તોડીને 100 ફૂટ ઊંડે નદીમાં ખાબકી. આ ઘટનામાં ઓછામાં ઓછા 21 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોની સાચી સંખ્યા વિશે હજુ અધિકૃત પુષ્ટી થઈ નથી.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા આપવાની અને ઘાયલોના પરિવારને 50,000 રૂપિયાની આર્થિક સહાયતાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ અકસ્માત જિલ્લા મુખ્યાલયથી લગભગ 42 કિલોમીટર દૂર મંગળવારે રાતે સાડા દસ વાગ્યાની આસપાસ થયો હતો.
જિલ્લના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવકાર્ય ચાલુ છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ મિની ટ્રક જિલ્લાના બહારના વિસ્તાર અમેલિયા નજીક પૂલથી નીચે ખાબકી. ખુબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયેલા આ મિની ટ્રકને ગેસ કટરથી કાપીને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતાં.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ ટ્રક નીચે પડતા જ ચારેબાજૂ રોકકળ અને બૂમાબૂમ મચી ગઈ હતી. મૃતકોમાં મહિલાઓ પણ સામેલ છે. ઘટનાસ્થળની સ્થિતિ ખુબ જ દર્દનાક હોવાનું કહેવાય છે.
મિની ટ્રકમાં હતા જાનૈયાઓ
મળતી માહિતી મુજબ અમેલિયા નજીક સોન નદીના જોગદહા પુલથી મંળવારે રાતે 9.30 વાગે દેવસરના હર્રાબિજી ગામના મુજબ્બિલ ખાનની જાન મિની ટ્રકમાં સવાર થઈને સિહાવલના પમરિયા ગામ જઈ રહી હતી. અચાનક ટ્ક સોન નદીના પુલથી ડિવાઈડર તોડીને 100 ફૂટ નીચે પથ્થર સાથે ટકરાઈ. ઘટનાનીસૂચના મળતા જ કલેક્ટર દીલિપકુમાર અને પોલીસ અધીક્ષક મનોજ શ્રીવાસ્તવ ઘટનાસ્થળે પહોંચી ગયાં. ઘાયલોને સીધા હોસ્પિટલ લઈ જવાયા. અંધેરુ હોવાના કારણે બચાવકાર્યમાં મુશ્કેલીઓ આવી રહી હતી. અધિકારીઓના જણાવ્યાં મુજબ મૃતકોની સંખ્યા વધી શકે છે.