જમ્મુ-શ્રીનગર હાઈવે પર મીની બસ ઊંડી ખીણમાં ખાબકતા 20 લોકોના મોત, અનેક ઘાયલ
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર મીની બસ ઊંડી ખીણમાં ખાબકતા 20 લોકોના દર્દનાક મોત થયા છે. મીની બસમાં કુલ 33 લોકો સવાર હતાં.
બનિહાલ (જમ્મુ અને કાશ્મીર): જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર મીની બસ ઊંડી ખીણમાં ખાબકતા 20 લોકોના દર્દનાક મોત થયા છે. મીની બસમાં કુલ 33 લોકો સવાર હતાં. 13 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. રામબનના SSP અનિતા શર્માએ જણાવ્યું કે મીની બસ બનિહાલથી રામબન જઈ રહી હતી. મારુફની નજીક કેલા વળાંક પર પહોંચ્યા બાદ ચાલકે વાહન પર કાબુ ગુમાવી દીધો અને તે 200 ફૂટ ઊંડી ખાઈમાં જઈને ખાબકી.
તેમણે જણાવ્યું કે બચાવકર્મીઓ તરત હરકતમાં આવી ગયા હતાં. 15 લોકોના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતાં જ્યારે 17 લોકોને ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. અધિકારીના જણાવ્યાં મુજબ બચાવ અભિયાન ચાલુ છે. એક અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે અત્યાર સુધી 20 લોકોના મોત થયા છે. તમામ મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. ઘાયલોને સારવાર માટે ઉધમપુર સ્થિત સૈન્ય હોસ્પિટલ રેફર કરાયા છે.
એસએસપીએ એમ પણ જણાવ્યું કે અકસ્માત બાદ અત્યાર સુધી 10 લોકોને સેનાની ઉધમપુર સ્થિત હોસ્પિટલ લઈ જવા માટે એરલિફ્ટ કરાયા છે. બાકીના લોકો માટે હેલિકોપ્ટર્સની વ્યવસ્થા કરાઈ રહી છે. રામબનના ડીસી ઐજાઝ ભટના જણાવ્યાં મુજબ મૃતકોના પરિજનોને 5 લાખનું અને ઘાયલોને 50,000નું વળતર આપવામાં આવશે.