નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને ભલે હજુ 3 વર્ષ બાકી હોય પણ અત્યારથી આ મુદ્દો ચર્ચાવા લાગ્યો છે. તેથી જ વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને 2024 પહેલાની સેમિફાઈનલ માનવામાં આવી રહી છે. દેશના સૌથી વધુ મતદારો ધરાવતી ઉત્તર પ્રદેશની ચૂંટણી પર સૌ કોઈની નજર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2022 ભારતની રાજનીતિ માટે ખૂબ અગત્યનું બની રહેવાનું છે. ઉત્તર પ્રદેશ સહિત 7 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાના છે. વર્ષ 2022મા શરૂઆતના તબક્કામાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ,ગોવા, મણિપુર અને પંજાબમાં ચૂંટણી યોજાવાની છે તો વર્ષ 2022ના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી યોજાવાની છે. આ બધી ચૂંટણીઓમાં સૌથી વધારે રાજનીતિક મહત્વ ઉત્તર પ્રદેશની ચૂંટણીનું રહેવાનું છે. ઉત્તર પ્રદેશમાં હાલ યોગી આદિત્યનાથની ભાજપની સરકાર છે, આવનારી ચૂંટણીમાં ફરી યોગી આદિત્યનાથને CM બનાવી યૂપીમાં ભાજપનો કેસરિયો લહેરાય તે માટે કાર્યકર્તાથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે મેદાને ઉતર્યા છે. યોગી આદિત્યનાથના CM બન્યા બાદના કાર્યો અને સદસ્યતા અભિયાન સાથે ભાજપે આગામી ચૂંટણીમાં 300ને પારનો દ્દઢ લક્ષ્યાંક રાખ્યો છે.


ઉત્તરપ્રદેશમાં વર્ષ 2022ના શરૂઆતના ભાગમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે તેવામાં ભાજપ અત્યારે છેવાડાના માનવી સુધી વિકાસ, રામ મંદિર અને મહિલા સુરક્ષાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. દિવાળી પર્વ પર અયોધ્યા ખાતે કરાયેલા ભવ્ય દીપોત્સવે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યુ હતું. અયોધ્યામાં નિર્માણ થવા જનાર ભવ્ય રામમંદિર, કુશીનગરમાં એરપોર્ટનું લોકાર્પણ, પૂર્વાંચલમાં 22 હજાર 495 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 341 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે સહિતના વિકાસલક્ષી કાર્યો યૂપીની જનતાને આપવામાં આવ્યા છે. યૂપીના વિકાસકાર્યો ખુલ્લા મૂકનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂપીના વિકાસને રૂંધવા માટે અગાઉની સરકારને જવાબદાર ઠેરવ્યા હતા.


કોંગ્રેસે પણ 403 બેઠકો પર એકલા લડવાનો નિર્ણય લીધો છે. બીજીતરફ સમાજવાદી યૂપીમાં ભાજપની સરકારને હટાવવા ઔવેસી સિવાય કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કરવા તૈયાર થયું છે. આ બધા વચ્ચે યૂપીની રાજનીતિમાં હાંસિયામાં ધકેલાયેલી માયાવતી બહુજન સમાજ પાર્ટીએ આવનારી ચૂંટણીમાં કોઈપણ બાહુબલી કે માફિયા નેતાને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે. આ બધા વચ્ચે અસદુદ્દીન ઔવેસી પણ પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં લઘુમતી વિસ્તારોમાં ચૂંટણી લડવા સજ્જ થઈ છે. મહત્વનું છે કે અસદુ્દીન ઔવેસી જ્યા ચૂંટણી લડે છે ત્યા સૌથી વધારે વિરોધી દળોને સૌથી વધારે નુકસાન થયું છે.


વર્ષ 2022ની ચૂંટણીને કેટલાક મહિનાઓનો સમય બાક્યો છે તેવામાં યૂપીનો ગઢ જીતીને મોદી સરકાર લોકસભાની ચૂંટણીની જીતની વધુ નજીક પહોંચવા માગે છે તો કોંગ્રેસ પણ ઉત્તર પ્રદેશની ચૂંટણી થકી દેશના એક મોટા રાજ્યમાં પોતાની સરકાર બનાવી પક્ષને મજબૂતાઈ આપવા માગે છે તેવામાં સપા અને બસપા માટે આ ચૂંટણી અસ્તિત્ત્વ ટકાવી રાખવાની લડાઈ બની શકે છે. જોવું રહ્યુ કે યૂપીની ચૂંટણી આગામી લોકસભામાં ભાજપની જીત માટેનું હિટ ટીઝર સાબિત થાય છે કે કોંગ્રેસ માટે આ ચૂંટણી કોઈ આશાનું કિરણ લઈને આવે છે.