શહીદ ઔરંગઝેબની હત્યાનો બદલો લેશે તેના આ 50 દોસ્ત, આતંકીઓને વીણી-વીણીને મારશે!
જૂન 2018માં બરાબર ઈદ પહેલા જ જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓએ આર્મીના જવાન ઔરંગઝેબની હત્યા કરી નાખી હતી.
નવી દિલ્હી: જૂન 2018માં બરાબર ઈદ પહેલા જ જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓએ આર્મીના જવાન ઔરંગઝેબની હત્યા કરી નાખી હતી. ઔરંગઝેબની હત્યાનો બદલો લેવા માટે હવે લગભગ 50 જેટલા યુવકો પોતાની નોકરી છોડીને વતન પરત ફર્યા છે. ઔરંગઝેબ દક્ષિણ કાશ્મીરના સલાની ગામનો રહીશ હતો. આ યુવકો શહીદ ઔરંગઝેબના મિત્રો છે. મીડિયા રિપોર્ટમાં તે 50 યુવકોમાંથી એક યુવક મો.કિરામતે જણાવ્યું કે- અમે એટલા માટે પાછા ફર્યા છે કારણ કે અમે અમારા મિત્રના મોતનો બદલો લઈ શકીએ. અમે હવે સેના અને પોલીસમાં ભરતી થઈને આતંકીઓને પાઠ ભણાવીશું.
પુલવામાંથી મળી આવ્યું હતું ઔરંગઝેબનું શબ
એનડીટીવીના રિપોર્ટ મુજબ ઔરંગઝેબનો ગોળીઓથી વિંધાયેલો મૃતદેહ 14 જૂન ગુરુવારના રોજ પુલવામાંથી મળી આવ્યો હતો. પોલીસ અને સેનાની સયુંક્ત ટુકડીને ઔરંગઝેબનો મૃતદેહ કાલમ્પોરાથી લગભગ 10 કિલોમીટર દૂર ગુસ્સુ ગામથી મળી આવ્યો હતો. તેના માથા અને ગળા પર ગોળીઓના નિશાન હતાં. ઔરંગઝેબની હત્યા બાદ તેના પિતાએ નિવેદન આપ્યું હતું કે તેઓ પુત્રના મોતનો બદલો આતંકીઓથી લેશે. શહીદ જવાનના પિતાએ આ માટે સરકારને 72 કલાકનો સમય પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે 72 કલાકમાં સરકાર બદલો નહીં લે તો હું લઈશ.
44 રાષ્ટ્રીય રાઈફલમાં તહેનાત હતો ઔરંગઝેબ
જમ્મુ કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટરીનો જવાન ઔરંગઝેબ શોપિયાના શાદીમાર્ગ સ્થિત 44 રાષ્ટ્રીય રાઈફલમાં તહેનાત હતો. 14 જૂનની સવારે લગભગ 9 વાગે યુનિટના સૈનિકોએ એક કારને રોકીને કાર ચાલકને ઔરંગઝેબને શોપિયા સુધી છોડવા જણાવ્યું હતું. આતંકીઓએ તે વાહનને કાલમ્પોરામાં રોક્યું અને જવાનનું અપહરણ કરી લીધુ હતું.
શું કહ્યું હતું ઔરંગઝેબના પિતાએ
ઔરંગઝેબના પિતાએ મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે આતંકીઓએ મારા પુત્રનું અપહરણ કરી લીધુ. કાશ્મીરમાંથી આતંકીઓનો 2003થી સફાયો થઈ શક્યો નહીં. જાલીમોએ મારા પુત્રને આવવા દીધો નહીં. શ્રીનગરની અંદર જે પણ નેતા લોકો બેઠા છે તેમને બહાર કાઢવામાં આવે. હું મોદીજીને 72 કલાકનો સમય આપુ છું નહીં તો પછી હું પોતે બદલો લેવા માટે તૈયાર છું. અમે ભારતીય સેના દેશ માટે જીવ ન્યોછાવર કરીએ છીએ. પરંતુ અમારા માટે કશું નથી.
ઔરંગઝેબના કાકાને પણ આતંકીઓઓ માર્યા હતાં
નોંધનીય છે કે ઔરંગઝેબના કાકાને પણ 2004માં આતંકીઓએ મારી નાખ્યા હતાં. ઔરંગઝેબના કુલ 6 ભાઈ છે. એક ભાઈ સેનામાં છે જ્યારે બાકીના ચાર ભણે છે. ઔરંગઝેબના પિતા પોતે સેનામાંથી રિટાયર છે.