અમદાવાદઃ અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી એક હોટલની લિફ્ટમાં 12 વર્ષના બાળકની ફસાઈ જવાને કારણે મૃત્યુ થયું છે. આ બાળક પાસે હોટલમાં વાસણ ધોવાનું કામ કરાવાતું હોવાની પોલિસને આશંકા છે. પોલિસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી પ્લેટિનિયમ હોટલની લિફ્ટમાં મેહુલ મીના નામનો 12 વર્ષનો એક બાળક ફસાઈ ગયો હતો. તેને લિફ્ટનું સંચાલન કરતાં ન આવડતું હોવાને કારણે તે લિફ્ટના દરવાજામાં ફસાઈ ગયો હતો અને તેનું મોત થયું હતું. પોલિસના જણાવ્યા અનુસાર આ બાળક છેલ્લા છ મહિનાથી હોટલમાં વાસણ ધોવાનું કામ કરતો હતો. 


12 વર્ષનો મેહુલ મીના નામનો આ બાળખ વસ્ત્રાપુર ફાટક નજીક લક્ષ્મીકૃપા સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. પરિવાર ગરીબ હોવાને કારણે બાળક પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે આ હોટલમાં મજૂરી કામ કરતો હતો. મૃતક મેહુલનો પરિવાર એટલો ગરીબ છે કે તેમની પાસે મૃતકની અંતિમ વિધિ કરવાના પૈસા પણ ન હતા. એટલે પરિવારે મિત્રો અને પરિજનો પાસેથી તેની અંતિમ વિધિ માટે પૈસા એક્ઠા કર્યા હતા. 


મેહુલના પરિજનોનો આક્ષેપ છે કે, બાળકના મૃત્યુની ઘટના બાદ હોટલ તરફથી પરિવાર પ્રત્યે કોઈ પણ પ્રકારની દયાની લાગણી દર્શાવાઈ નથી. હોટલ તરફથી બાળકના પરિવારને કોઈ પણ સહાય નહીં આપી હોવાનો પણ પરિજનોનો આરોપ છે. સ્થાનિક રહિશ જીતુભાઈએ જણાવ્યું કે, આ પરિવાર ગરીબ હોવાથી અહીં સોસાયટીમાં રહેતા લોકો પાસેથી ફાળો એક્ઠો કરીને બાળકની અંતિમ વિધિ માટેની સામગ્રી ખરીદવામાં આવી છે. 


આનંદનગર પોલીસ સ્ટેશનની પીઆઈ એસ.જે. બલોચે જણાવ્યું કે, પોલિસે હોટલ પ્લેટિનિયમમાં પહોંચી જઈને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલિસ દ્વારા પ્લેટિનિયમ હોટલના માલિક અને મેનેજર વિરુદ્ધ આઈપીસીની કલમ 304 અને જુવેનાઈલ પ્રોટેક્શન એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલિસ આ સમગ્ર ઘટના કેવી રીતે બની અને બાળક હોટલમાં કેવી રીતે આવ્યો તેના અંગે વિસ્તૃત તપાસ કરી રહી છે.