નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ બુધવારે આધાર કાર્ડને ફરજિયાત કરવા અંગેના કેસમાં પોતાનો અંતિમ ચુકાદો આપવાની છે. આ કેસની સુનાવણી સુપ્રીમના ઈતિહાસની બીજી સૌથી લાંબી રહી છે. સાડા ચાર મહિના દરમિયાન થયેલી 38 સુનાવણીમાં સુપ્રીમ દ્વારા સરકાર પાસે અનેક બાબતે સ્પષ્ટતા માગવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમે ભારતીય વિશિષ્ઠ ઓળખ પ્રાધિકરણ (UIDAI) ને પુછ્યું હતું કે, આધાર કાયદામાં સુરક્ષા કેટલી છે? શું ડાટા ઉલ્લંઘન માટે કોઈ અપરાધિક કાર્યવાહી કે સજાની જોગવાઈ છે? તેના જવાબમાં UIDAIના વકીલે સુપ્રીમને જણાવ્યું હતું કે, આધાર કાયદો ઘણો મજબુત છે અને તે ડાટા ઉલ્લંઘન વિરુદ્ધ યોગ્ય અને પુરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવે છે. આધાર લોકોને ગર્વ, ગરિમા અને આત્મસન્માન આપે છે કે તેઓ એક સમાજનો ભાગ છે. તેણે સ્પષ્ટતા કરી કે એ વાત ખોટી છે કે UIDAI 'મેટા ડાટા'માં વ્યક્તિગત માહિતી એકઠું કરી રહ્યું છે અને સંગ્રહિત કરી રહ્યું છે. 


અપરાધિક કાર્યવાહી અંગે તેમણે જણાવ્યું કે, આધાર કાયદા અંતર્ગત અપરાધિક કેસ દાખળ કરી શકાય છે અને માહિતી-ટેક્નોલોજી અધિનિયમ અંતર્ગત તેમાં સજા આપી શકાય છે. જોકે, તેમણે એવું સ્પષ્ટ કર્યું હતું કે તેની માહિતી કોઈને આપવામાં આવતી નથી. 


UIDAI દ્વારા વધુ સ્પષ્ટતા કરતા જણાવાયું કે, ટેક્નોલોજીમાં ઝડપથી આવી રહેલા પરિવર્તનને કારણે તેઓ ડાટાની સુરક્ષા બાબતે પડકારોનો સામનો કરી રહ્યા છે. તેના અંગે ન્યાયાધિશ શ્રીકૃષ્ણ સમિતિ એક મજબુત ડાટા સુરક્ષા કાયદો બનાવવા માટે કામ કરી રહી છે. આધાર કાયદો ગરીબ લોકોને સસ્તી કિંમતે પુરતો આહાર ઉપલબ્ધ કરાવવા માટે છે, જેથી લોકો ગર્વ સાથે રહી શકે. 


સુનાવણી દરમિયાન રાઈટ ટુ પ્રાઈવસીના સંદર્ભમાં UIDAIએ જણાવ્યું કે, ગુપ્તતાનો અધિકાર સંપૂર્ણ નથી. અન્ય મૌલિક અધિકારોની જેમ તેના પર પણ પ્રતિબંધ લાગુ થાય છે. ગુપ્તતાના અધિકારે પણ અન્ય નાગરિકોનાં અધિકારો સાથે સંતુલન સ્થાપવું પડશે. યુરોપિયન યુનિયન દેશોનાં નિયમોનો દાખલો આપતા UIDAI તરફથી કહેવાયું કે, ત્યાંનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાની વ્યક્તિગત માહિતી સભ્ય દેશો પાસે હોવી જોઈએ. 


આધાર ફરજિયાત થશે કે પછી સરકારના દાવા થશે નિરાધાર? આવતીકાલે આવશે ચૂકાદો


આધાર કાયદામાં UIDAIને એ જાણવાનો અધિકાર મળ્યો નથી કે, કયા વિશેષ કારણ માટે આધારના નંબરનું ઓથેન્ટિફિકેશન થયું છે. સાથે જ આઈટી એક્ટનો હવાલો આપતા જણાવાયું કે, જો કોઈ વ્યક્તિ ડાટા લીક કરે છે તો જે વ્યક્તિની માહિતી લીક થઈ છે તો તેના માટે વળતરની પણ જોગવાઈ છે. 


આધારની સુરક્ષા અંગે UIDAIએ સુપ્રીમને જણાવ્યું કે, પુરાવા માગ્યા બાદ ડાટા શેર થવાનો કોઈ ભય નથી. આધાર અંતર્ગત ડાટાનો સંગ્રહ એક અણુ બોમ્બ નથી. આ અરજીકર્તાઓ તરફથી ફેલાવાયેલો એકમાત્ર ડર છે. અમે પહેલાથી જ સુનિશ્ચિત કરેલું છે કે કોઈ પણ વ્યક્તિનો ડાટા કોઈની સાથે શેર કરાશે નહીં. 


સુનાવણી દરમિયાન સુપ્રીમનો વચગાળાના આદેશની મુખ્ય બાબતો
1. આવકવેરા રિટર્નમાં આધાર નંબરને સરકાર દ્વારા ફરજિયાત કરવાની જોગવાઈ કરાઈ છે, જેને સુપ્રીમ કોર્ટે સૈદ્ધાંતિક રીતે સમર્થન આપ્યું છે. 
2. સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશમાં જણાવ્યું કે, જેની પાસે આધાર નંબર છે તેઓ આવક વેરા રિટર્ન ફાઈલ કરતા સમયે તેનો ઉલ્લેખ જરૂર કરે. 
3. જેની પાસે આધાર નંબર નથી, તેણે બંધારણિય બેન્ચનો અંતિમ ચૂકાદો આવે ત્યાં સુધી ચિંતિત થવાની જરૂર નથી. 
4. ચાલુ વર્ષના બજેટમાં સરકારે ઈન્કમ ટેક્સ એક્ટની ધારા 139એએમાં જોગવાઈ કરી હતી કે,  1 જુલાઈ બાદ આવકવેરો ભરનાર વ્યક્તિએ આધારનો ઉલ્લેખ કરવો અનિવાર્ય રહેશે. 
5. આ કેસ અત્યારે સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. અનેક અરજીઓ આવેલી છે. બંધારણિય બેન્ચનો અંતિમ ચૂકાદો આવવાનો બાકી છે. 
6. સુપ્રીમ કોર્ટે આધાર નંબરને કારણે ડાટા લીક થવા સંબંધિત લોકોની ચિંતાને યોગ્ય ઠેરવતા સરકારને તેના અંગે યોગ્ય પગલાં ભરવા આદેશ આપ્યો હતો. 
7. સુપ્રીમ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે જોડવાની બાબતને પણ સમર્થન આપ્યું હતું. 


આધાર કાર્ડને ફરજિયાત કરવા અંગે દેશની સર્વોચ્ચ અદાલત આવતીકાલે પોતાનો ચૂકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટમાં આધારની બંધારણિય કાયદેસરતાને પડકારતી 27 અરજીઓ કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે તે બંધારણના 'રાઈટ ટુ પ્રાઈવસી' (ગુપ્તતાનો અધિકાર)નું ઉલ્લંઘન છે. મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા, ન્યાયાધિશ એ.કે. સિકરી, ન્યાયાધિશ એ.એમ. ખાનવિલકર, ન્યાયાધિશ ડી.વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધિશ અશોક ભૂષણની બંધારણિય બેન્ચ દ્વારા આ કેસની સુનાવણી કરવામાં આવી છે.