નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે આધાર બેંકિંગ કૌભાંડોને રોકવા માટે કઈ ખાસ કરી શકતું નથી. સુપ્રીમે ફક્ત કેટલાક આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર જનતાને તેમના મોબાઈલ ફોન આધાર સાથે જોડવાનું કહેતા કેન્દ્ર પર સવાલો ઉઠાવ્યાં. સુપ્રીમે કહ્યું કે બેંક અધિકારીઓની કૌભાંડ આચરનારાઓ સાથે 'સાઠગાંઠ' હોય છે. કોર્ટે કહ્યું કે અપરાધીઓ અજ્ઞાત હોય છે એટલે કૌભાંડ થાય છે એવું નથી. કોર્ટે આ ટિપ્પણીઓ એવા સમયે કરી છે જ્યારે કેન્દ્રએ એવી દલીલ કરી કે આધાર આતંકવાદ અને બેંક સંબંધી ફ્રોડ જેવી સમસ્યાઓ પર રોક લગાવવા માટે મદદરૂપ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે સવાલ કર્યો કે જો કાલે અધિકારી પ્રશાસનિક આદેશો દ્વારા નાગરિકોને આધાર હેઠળ ડીએનએ અને લોહીના નમૂના આપવાનું કહેવા લાગ્યા તો શું થશે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની પેઠી આધાર અને તેના 2016ના કાયદાની માન્યતાને પડકારનારી અરજીઓ પર સુનાવણી હાથ ધરતા કેન્દ્રની દલીલ પર પહેલી નજરમાં અસહમતિ વ્યક્ત કરી અને કહ્યું કે આધાર બેંકિંગ ફ્રોડને રોકવાનું 'સમાધાન' નથી.


પીઠે કહ્યું કે "ફ્રોડ કરનારા લોકોની ઓળખ અંગે કોઈ શંકા નથી. બેંક જાણે છે કે તે કોને લોન આપી રહી છે અને બેંકના અધિકારીઓની ફ્રોડ કરનારાઓ સાથે સાઠગાંઠ હોય છે. આધાર તેને રોકવા માટે વધુ કઈ કરી શકતું નથી."


આ પેનલમાં ન્યાયમૂર્તિ એ કે સીકરી, ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર, ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ, અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણ પણ સામેલ હતાં. પીઠે કેન્દ્ર તરફથી હાજર રહેલા એટોર્ની જનરલ કે કે વેણુગોપાલને કહ્યું કે બેંકિંગ ફ્રોડ કોઈ ઓળખ પત્રોના કારણે થતા નથી. કેન્દ્રનું કહેવું છે કે બાયોમેટ્રિક્સ સુરક્ષિત છે અને તે ધન શોધન, બેંક ફ્રોડ, આવકવેરા ચોરી, અને આતંકવાદ જેવી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે. પીઠે કહ્યું કે આધાર મનરેગા જેવી યોજનાઓના નકલી લાભાર્થીઓને શોધી કાઢવામાં અધિકારીઓની મદદ કરી શકે છે.