નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ દિલ્હીની સાતેય સીટો પર હાર બાદ કોંગ્રેસની સાથે ગઠબંધન ખતમ કરવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર ગુરૂવારે બેઠક બાદ તેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની સાથે ગઠબંધન લોકસભા ચૂંટણી માટે હતું, વિધાનસભા ચૂંટણી એકલા લડવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને બધા ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં લોકસભા ચૂંટણીમાં મળેલી હાર અને આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં ગોપાલ રાયે સ્પષ્ટ કરી દીધુ કે તેમની પાર્ટીએ વિધાનસભા ચૂંટણી એકલા લડવાનો નિર્ણય કર્યો છે.


આ પણ વાંચોઃ પરિણામના દિવસે શેર બજારમાં લોકોને 30 લાખ કરોડનું નુકસાન!, રાહુલ ગાંધીનો મોટો આરોપ


આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીમાં વિપક્ષી દળોના ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ હતી. પાર્ટી દિલ્હીની સાતેય સીટો પર કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ઉતરી હતી. ચાર સીટો પર આમ આદમી પાર્ટી તો ત્રણ સીટો પર કોંગ્રેસ લડી હતી. પરિણામ આવવાના ત્રીજા દિવસે આમ આદમી પાર્ટીએ એકલા ચાલવાની જાહેરાત કરી છે. 


કેજરીવાલે આપ્યા હતા સંકેત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બીજીવાર જેલ જતાં પહેલા એક ટીવી ઈન્ટરવ્યૂમાં ઈશારો કર્યો હતો કે કોંગ્રેસ સાથે ભવિષ્યમાં દોસ્તી ખતમ કરી શકાય છે. કોંગ્રેસની સાથે ગઠબંધનને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું- અમે કોંગ્રેસ સાથે કાયમી લગ્ન કર્યાં નથી, ન અમારા લવ મેરેજ થયા છે ન અરેન્જ મેરેજ થયા છે. આપના રાષ્ટ્રીય સંયોજકની દલીલ હતી કે બંધારણ અને લોકતંત્રની રક્ષા કરવા માટે તેમની પાર્ટી ગઠબંધનમાં સામેલ થઈ હતી.