બજેટ સત્રના ત્રીજા દિવસે સંસદમાં સંગ્રામ, વિપક્ષે કરી અદાણી અને LIC મુદ્દે તપાસની માંગ
Budget Session: અદાણી ગ્રુપ વિરુદ્ધ છેતરપિંડીના આરોપો પર વિપક્ષી પાર્ટીઓ તરફથી ચર્ચાની માંગને કારણે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
નવી દિલ્હીઃ હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની દિવસેને દિવસે મુશ્કેલી વધી રહી છે. વિપક્ષ અદાણી ગ્રુપના ઘટતા સ્ટોક અને એફપીઓ પાછું ખેંચવા પર પણ પ્રહારો કરી રહ્યો છે અને આ મામલે તપાસની માંગ કરી છે. અદાણી ગ્રુપે બુધવારે અચાનક અદાણી એન્ટરપ્રાઇસનો એફપીઓ રદ કરવાની જાહેરાત કરી હતી. તે જ સમયે, ફોર્બ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગૌતમ અદાણી પોતે તેમના FPOમાં મોટો દાવ લગાવી રહ્યા હતા. ગુરુવારે, વિરોધ પક્ષોએ એક બેઠક યોજી હતી અને તે પછી તેઓએ ગૌતમ અદાણી સામેના આરોપોની સંસદીય પેનલ અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિ દ્વારા તપાસની માંગ કરી હતી. હોબાળા વચ્ચે સંસદની કાર્યવાહી આવતીકાલ એટલે કે શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
અમેરિકી શોર્ડ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણીના શેરમાં મોટો ઘટાડો થયો છે. તો વિપક્ષની માંગ છે કે સંસદની નિયમિત કાર્યવાહી રદ્દ કરવામાં આવે અને ભારતીય રોકાણકારોના જોખમ પર ચર્ચા થાય. અદાણી ગ્રુપ પર આરોપ લાગ્યા બાદ તેને 100 અબજ ડોલરનું નુકસાન થઈ ચુક્યુ છે. ધ્યાન આપવા જેવી વાત છે કે એલઆઈસી અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પણ અદાણી ગ્રુપમાં રોકાણ કરે છે.
આ પણ વાંચોઃ RBIએ બેંક પાસે માંગ્યો અદાણી સમૂહની લોન-રોકાણનો રિપોર્ટ, હિંડનબર્ગ રિપોર્ટ પછી આદેશ
વિપક્ષના નેતાઓએ કરી બેઠક
ગુરૂવારે સવારે સંસદ પરિવારમાં ઘણા વિપક્ષી દળના નેતાઓએ બેઠક કરી. ત્યારબાદ બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારને ઘેરવાનો નિર્ણય કર્યો. તેમણે સંસદમાં અદાણી ગ્રુપ મામલા પર ચર્ચાની માંગ કરી. તેને લઈને લોકસભામાં પણ હંગામો જોવા મળ્યો. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, ડીએમકે, જેડીયૂ અને લેફ્ટ પાર્ટીઓના પ્રતિનિધિ હાજર હતા.
9 પક્ષનોએ સંસદમાં આપી નોટિસ
અદાણી ગ્રુપની સ્થિતિને લઈને 9 દળોએ સંસદમાં ચર્ચા માટે નોટિસ આપી. રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે, આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહ અને કેશવ રાવે નોટિસ આપી. ખડગેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તે ઈચ્છે છે કે જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી બનાવી કે પછી સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ થાય અને તેનો ડે ટુ ડે રિપોર્ટ આપવામાં આવે. તો આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યુ કે, તેમણે પ્રધાનમંત્રી મોદી, ઈડી અને સીબીઆઈને તપાસ માટે પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે અદાણીનો પાસપોર્ટ જપ્ત કરી લેવો જોઈએ નહીં તો તે વિદેશ ભાગી શકે છે.
આ પણ વાંચો- 20,000 કરોડનો FPO કેમ પાછો ખેંચ્યો? ગૌતમ અદાણીએ પોતે આપ્યો જવાબ
હિંડનબર્ગના રિપોર્ટમાં શું હતું
હકીકતમાં હિંડનબર્ગે રિપોર્ટમાં કહ્યું હતું કે અદાણી ગ્રુપના શેરની કિંમત 45 ગણી ઓવરવેલ્યૂ છે. અદાણીએ 30 ટકા લોન સરકારી બેન્કોમાંથી લીધી છે. માત્ર 8 ટકા લોન ખાનગી બેન્કો પાસે લીધી છે. તેમાં કહેવામાં આવ્યું કે અદાણી પરિવારના લોકોએ યુએઈ અને કેરેબિયન દ્વીપમાં ખોટી કંપનીઓ દર્શાવી છે. તો અદાણી ગ્રુપ તરફથી કહેવામાં આવ્યું કે હિંડનબર્ગના રિપોર્ટમાં સત્ય નથી. તે પાયાવિહોણી જાણકારી આપી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube