વાયુસેના પ્રમુખનું ચોંકાવનારું નિવેદન, કહ્યું- પાઈલટ્સને લાગી છે સોશિયલ મીડિયાની લત
ભારતીય વાયુસેનાના ફાઈટર જેટની દુર્ઘટનાને લઈને વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
નવી દિલ્હી/બેંગ્લુરુ: ભારતીય વાયુસેનાના ફાઈટર જેટની દુર્ઘટનાને લઈને વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. દુર્ઘટનાઓ પાછળ તેમણે સોશિયલ મીડિયાને જવાબદાર ઠેરવ્યું છે. વાયુસેના પ્રમુખે શુક્રવારે કહ્યું કે રાતે અનેક કલાકો સુધી સોશિયલ મીડિયા પર સમય વિતાવવાના કારણે વાયુસેનાના પાઈલટ્સ ઊંઘ પૂરી કરી શકતા નથી. તેમણે એક એવી સિસ્ટમની વકિલાત કરી કે જેનાથી પાઈલટ્સની ઊંઘ પૂરી થઈ છે કે નહીં તે જાણી શકાય.
એર ચીફ માર્શલ ધનોઆ અહીં ઈન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિનના 57માં સંમેલનમાં ઉપસ્થિત હતાં. તેમણે કહ્યું કે બધા મોડી રાત સુધી અનેક કલાકો સોશિયલ મીડિયા પર સમય પસાર કરતા જોવા મળે છે. અનેકવાર ઉડાણ પહેલાની બ્રિફિંગ સવારે 6 વાગે થતી હોય છે અને ત્યાં સુધી પાઈલટ્સની ઊંઘ પૂરી થઈ હોતી નથી. આ સમસ્યાના સંદર્ભમાં ધનોઆએ કહ્યું કે આપણને એક એવી સિસ્ટમની જરૂર છે જેનાથી જાણી શકાય કે પાઈલટે ઊંઘ સારી રીતે પૂરી કરી છે કે નહીં.
તેમણે કહ્યું કે વર્ષ 2013માં એક ભીષણ દુર્ઘટના ઘટી હતી. કારણ કે પાઈલટે લાંબા સમયથી પૂરતી ઊંઘ લીધી નહતી. અત્રે જણાવવાનું કે વર્ષ 2013માં રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારતીય વાયુસેનાનું એક મિગ 21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અકસ્માત બાડમેરથી 40 કિમી દૂર થયો હતો. વાયુસેના પ્રમુખે કહ્યું કે ચિકિત્સા ક્ષેત્રના લોકોને આ સમસ્યાનું સમાધાન કાઢવા માટે ભલામણ કરું છું.