મોટો ધડાકો : પીએમ મોદીના જીવને ખતરો, સુરક્ષા એજન્સીઓએ આપી `આ` સલાહ
આ પરિસ્થિતિમાં ગૃહ મંત્રાલયે નવા નિયમો જાહેર કર્યા છે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા સામે મોટો ખતરો હોવાનું જણાવીને ગૃહ મંત્રાલયે નવો નિયમ જાહેર કર્યો છે. તમામ રાજ્યોને મોકલવામાં આવેલા એલર્ટમાં કહેવામાં આ્વ્યું છે કે વડાપ્રધાન મોદીની વિશેષ સુરક્ષામાં તહેનાત એજન્સીની પરવાનગી વગર મંત્રી અને અધિકારીઓ પણ તેમની નજીક નહીં જઈ શકે. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સુરક્ષા એજન્સીઓ તરફથી વડાપ્રધાન મોદીને સલાહ આપવામાં આવી છે કે એ રોડ શોના કાર્યક્રમોમાં ઘટાડો કરે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી જ 2019ની લોકસભાની ચૂંટણીમાં બીજેપી તરફથી પ્રચારની કમાન સંભાળશે અને તેઓ જ પ્રચારનો મુખ્ય ચહેરો હશે.
જાણકારી પ્રમાણે ગૃહ મંત્રાલય તરફથી તમામ રાજ્યોના ડીજીપીને લખેલા પત્રમાં પીએમ મોદીને 'અજ્ઞાત ખતરો' હોવાની વાત કહેવામાં આવી છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે કોઈને પણ પીએમ મોદીની નજીક ન જવા દેવામાં આવે અને આ નિયમનું કડકાઈથી પાલન કરવામાં આવે.
આ સિવાય વડાપ્રધાન મોદીની સુરક્ષામાં લાગેલી એસપીજી પણ હવે મંત્રીઓની તલાશી લઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે સામાન્ય જનતાને મળવા માટે લોકો વચ્ચે જાય છે એ પણ ચિંતાનો મુદ્દો બન્યો છે. આ સિવાય પીએમ મોદીને રોડ શો પણ ન કરવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડિસા તેમજ પશ્ચિમ બંગાળમાં આવનારી ચૂંટણી દરમિયાન પીએમ મોદીની સુરક્ષા મામલે ચિંતા જાહેર કરવામાં આવી છે.