સબરીમાલામાં પોલીસે પ્રદર્શનકારીઓનો ગુસ્સો ખાનગી વાહનો પર ઉતાર્યો, વીડિયો વાયરલ
બુધવારે સાંજે સબરીમાલા મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ પહેલાં પ્રદર્શનકર્તાઓ દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને પોતાનો ગુસ્સો ખાનગી વાહનો પર ઉતાર્યો હતો
તિરૂવનંતપુરમઃ સમરીમાલા મંદિરના મુદ્દે સુપ્રીમના ચૂકાદા બાદ બુધવારે પ્રથમ વખત માસિક પૂજા વિધી માટે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. પોલીસે કેરળના પામ્પામાં મહિલાઓના પ્રવેશ મુદ્દે થયેલી હિંસક અથડામણ બાદ પોતાનો ગુસ્સો ખાનગી વાહનો પર ઉતાર્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો હતો.
આ અગાઉ ધાર્મિક માન્યતા મુજબ મંદિરમાં 10થી 50 વયજૂથની મહિલાઓને પ્રવેશતી અટકાવવા માટે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એક્ઠા થયા હતા. તેમના દ્વારા પોલીસ પર પથ્થરમારો પણ કરાયો હતો. પ્રદર્શનકારીઓ સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો વિરોધ કરતા હતા.
સબરીમાલા મંદિરમાં પ્રદર્શનકર્તા અને પોલીસ વચ્ચે હિંસક સંઘર્ષ
ANI સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ, નિલાકલ બેઝ કેમ્પની નજીક પત્રકારો અને અન્ય શ્રદ્ધાળુઓને લઈ જતી બસ ઉપર પણ પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો હતો. જેમાં બસના કાચ તુટી ગયા હતા.
પ્રદર્શનકારીઓને ભાગાડવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી, જેમાં એક વૃદ્ધ મહિલા સહિત કેટલાક વ્યક્તિ ઘાયલ થયા હતા.
સબરીમાલા મંદિરથી 20 કિમી દૂર તળેટીમાં આવેલા નિલક્કલ ખાતે વહેલી સવારથી જ મહિલાઓને મંદિરમાં પ્રવેશતી અટકાવવા માટે મોટી સંખ્યામાં એક્ઠા થઈ ગયા હતા. કેરળ સરકાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 10થી 50 વયજૂથની મહિલાઓને મંદિરમાં પૂજા કરવા જવા દેવા માગતી હતી. જેના કારણે પ્રદર્શનકારીઓએ અહીંથી જ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ અને ખાનગી વાહનો અટકાવાનું શરૂ કરતાં પરિસ્થિતી તંગ બની હતી.
સંઘર્ષ વધી જતાં પ્રદર્શનકારીઓ ગુસ્સે થયા હતા અને તેમણે પથ્થરમારો શરૂ કર્યો હતો. જેના જવાબમાં પોલીસને લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો હતો. લોકો નજીકના જંગલમાં થઈને નાસી છુટ્યા હતા.