નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, 2024માં કોંગ્રેસ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને લોકોએ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે પોતાની પસંદગી કરવી છે. શાહે ગુરૂવારે મોદી સરકારના 9 વર્ષનું શાસન પૂરુ થવા પર આયોજિત જનસભાને સંબોધિત કરતા લોકોને પૂછ્યુ કે 2024માં કોણ પ્રધાનમંત્રી હશે રાહુલ બાબા કે નરેન્દ્ર મોદી? લોકોમાંથી અવાજ આવ્યો નરેન્દ્ર મોદી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષની 23 જૂને પટનામાં યોજાનારી બેઠક પહેલા શાહે એક તરફથી 2024માં મોદી અને રાહુલ વચ્ચે પ્રધાનમંત્રી પદ માટે મુકાબલો ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. શાહ તરફથી રાહુલ ગાંધીને પીએમ પદના દાવેદાર ગણાવવા પાછળ રણનીતિક જાણકાર મોટો દાંવ જોઈ રહ્યાં છે. જાણકારોનું માનવું છે કે વિપક્ષી દળ એક મંચ પર આવી ગયા તો ચહેરાના નામ પર ફૂટ પડી શકે છે. વિપક્ષી જૂથમાં ઘણા નેતા પીએમ પદની દાવેદારીની ઈચ્છા રાખે છે. માનવામાં આવી રહ્યું છે કે શાહે આ કારણે રાહુલનું નામ લીધુ છે. 


આ પણ વાંચો- મોટી સફળતા : હવે ભારતમાં જ બનશે ફાઈટર જેટ એન્જિન, GE સાથે 'મેગા' કરાર


મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી
અમિત શાહે કહ્યું કે 9 વર્ષમાં મોદીજીએ વિશ્વમાં દેશનું સન્માન વધાર્યું અને દેશની અર્થવ્યવસ્થાને વિશ્વમાં 11માં સ્થાનેથી 5માં સ્થાન પર પહોંચાડી છે. તેમણે કહ્યું કે 9 વર્ષમાં મોદી સરકારે ઘણા ફેરફારો કર્યા, જ્યારે 10 વર્ષ સુધી સત્તામાં રહેલી મનમોહન સરકારે કૌભાંડો અને મોટા ભ્રષ્ટાચાર આચર્યા, જ્યારે મોદી સરકાર પર 9 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી. શાહે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં દેશમાં આતંકવાદી ઘટનાઓ બનતી હતી, આપણા જવાનોના શિરચ્છેદ કરવામાં આવતા હતા. પાકિસ્તાનને તેની આદત પડી ગઈ હતી, તેણે કાશ્મીરના પુલવામા અને ઉરીમાં હુમલા કર્યા, જેનો તેને જડબાતોડ જવાબ મળ્યો. શાહે કહ્યું કે તેમની સરકારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી, જેને કોંગ્રેસ સરકાર 70 વર્ષથી દૂર કરી શકી નથી.


કોંગ્રેસે લટકાવ્યો રામમંદિરનો નિર્ણયઃ શાહ
છત્તીસગઢનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વામપંથ ઉગ્રવાદની કમર તોડી દેવામાં આવી છે અને બસ્તરના માત્ર કેટલાક વિસ્તાર સુધી નક્સલી રહી ગયા છે. તેમણે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોંગ્રેસે મંદિરને લટકાવી રાખ્યું હતું અને લોકોને ભ્રમિત કરી રહી હતી. મોદીજી સત્તામાં આવતા એક દિવસ જઈને ભૂમિ પૂજન કરી દીધુ. મંદિર બની રહ્યું છે. તેમણે લોકોને રામ મંદિરમાં દર્શન કરવા માટે તૈયાર રહેવાની અપીલ કરતા કહ્યું કે જાન્યુઆરીમાં રામલલાની પ્રતિમા ત્યાં સ્થાપિત થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube