અમિત શાહનો સવાલ, મધ્યપ્રદેશમાં વંદેમાતરમ ગાવા પર પ્રતિબંધનો નિર્ણય શું રાહુલ ગાંધીનો છે?
અમિત શાહે જણાવ્યું કે, મધ્યપ્રદેશ સરકારના આ દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય અંગે રાહુલ ગાંધીએ દેશની જનતા સામે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવો જોઈએ
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર દ્વારા રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ગાવા પર પ્રતિબંધ લગાવાને દુર્ભાગ્યપૂર્ણ ઠેરવતાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે સવાલ કર્યો છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી એ જણાવે કે, વંદે માતરમના આ અપમાનનો નિર્ણય કોનો છે?
અમિત શાહે એક નિવેદનમાં જણાવ્યું કે, શું વંદેમાતરમના આ અપમાનનો નિર્ણય રાહુલ ગાંધીનો છે? મધ્યપ્રદેશ સરકારના આ દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય પર રાહુલ ગાંધીએ દેશની પ્રજા સામે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવો જોઈએ.
અમિત શાહે આરોપ લગાવ્યો કે, વંદેમાતરમ પર પ્રતિબંધ લગાવીને કોંગ્રેસે દેશની આઝાદી માટે વંદેમાતરમ ગાઈને પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા વીર બલિદાનીઓનું અપમાન કર્યું છે અને મધ્યપ્રદેશની પ્રજા સાથે વિશ્વાસઘાત પણ કર્યો છે.
દેના, વિજયા બેન્કના બેન્ક ઓફ બરોડામાં વિલયને મંજૂરી, કોઈ કર્મચારીની છટણી નહીં થાય
અમિત શાહે જણાવ્યું કે, વંદેમાતરમ માત્ર એક ગીત નથી, પરંતુ ભારતના આઝાદીના આંદોલનનું એક પ્રતીક છે અને દરેક ભારતીયનું પ્રેરણા બિંદુ છે. વંદેમાતરમ સંપૂર્ણ ભારતની રાગાત્મક અભિવ્યક્તિ છે.
શાહે જણાવ્યું કે, વંદેમાતરમ કોઈ એક ખાસ વર્ગ માટે નથી, પરંતુ ભારતની આઝાદીની લડાઈ માટે પોતાનાં પ્રાણોનું બલિદાન આપનારા લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગનું પ્રતીક છે. તેના પર પ્રતિબંધ એ સ્વતંત્રતાનું અપમાન છે.