નવી દિલ્હી: કરતારપુર કોરિડોર ખોલવાના અહેવાલોની સાથે જ તેને સંલગ્ન રાજકારણમાં અને વિવાદ પણ ગરમાવા લાગ્યો છે. પાકિસ્તાને 28 તારીખના રોજ આ માટે થનારા સમારોહમાં ભારત તરફથી સુષમા સ્વરાજ, અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુને બોલાવ્યાં હતાં. સુષમા અને અમરિન્દર સિંહે તો ના પાડી દીધી પરંતુ સિદ્ધુ પહોંચી ગયાં. તેમના ત્યાં જવા પર ફરી એકવાર સવાલો ઉઠવા લાગ્યાં છે. પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને તેમના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે આ અંગે મોટી ખેંચતાણ છે. 


અમરિન્દર સિંહે કહ્યું હતું કે જે દેશના આતંકીઓ આપણા સૈનિકોને મારી રહ્યાં છે ત્યાં હું જઈ શકું નહીં. હવે તેમણે પોતાના જ મંત્રીના પાકિસ્તાન જવા પર આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે મેં મારું સ્ટેન્ડ જણાવી દીધુ હતું કે હું જઈશ નહીં. જ્યારે તેમના પાકિસ્તાન જવાનો કાર્યક્રમ મારી મંજૂરી માટે મારી પાસે આવ્યો તો મેં કહ્યું કે તેઓ આ અંગે ફરીથી વિચાર કરે. જ્યારે મેં તેમને મારા વિચારો અંગે જણાવ્યું તો તેમણે કહ્યું કે તેઓ પાકિસ્તાન જવાનું વચન આપી ચૂક્યા છે. તેમણે કહ્યું કે આ  તેમનો અંગત પ્રવાસ છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે એમપીમાં પ્રચાર બાદ તેઓ આ અંગે વાત કરશે. પરંતુ ત્યારબાદ તેમણે હજુ સુધી કશું જણાવ્યું નથી. હું આમ પણ કોઈને પાકિસ્તાન કે અન્ય દેશ જવાથી રોકી શકું નહીં, આ  તેમનો અંગત પ્રવાસ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...