ઓફિસના વર્કલોડે લીધો CA નો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
પુત્રીની મોતનો આઘાત ઝેલી રહેલી માતાએ કંપનીને નામે પત્ર લખ્યો છે, જેને વાંચીને દરેકની આંખો ભીની થઈ જશે. હવે આ મામલે સરકારે પણ હસ્તક્ષેપ કર્યો છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે કહ્યું કે, તેમણે ફરિયાદ નોંધી લીધી છે.
26 વર્ષની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) એના સેબેસ્ટિયન પેરાયિલના મોતનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. મલ્ટીનેશનલ કંપની અન્સર્ટ એન્ડ યંગ (ઈવાય)ની સીએ એના સેબેસ્ટિયનના મોતના કેસે બધાને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ છે. લોકો કંપનીને સંભળાવી રહ્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીની માતાએ યુવતીના બોસ પર આરોપ લગાવ્યો કે તેમની પુત્રીના બોસે તેની પાસેથી એટલું બધુ કામ લીધુ કે તે તણાવ હેઠળ આવી ગઈ હતી. તેની ઉપર સતત વધુ ને વધુ કામ કરવાનું પ્રેશર નાખવામાં આવતું હતું છેલ્લે કામના બોજા હેઠળ દબાઈને તેમની પુત્રીનું મોત નિપજ્યું.
માતાનો લેટર વાંચી બધાની આંખો ભીની થઈ
પુત્રીની મોતનો આઘાત ઝેલી રહેલી માતાએ કંપનીને નામે પત્ર લખ્યો છે, જેને વાંચીને દરેકની આંખો ભીની થઈ જશે. હવે આ મામલે સરકારે પણ હસ્તક્ષેપ કર્યો છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે કહ્યું કે, તેમણે ફરિયાદ નોંધી લીધી છે અને એના સેબેસ્ટિયન પેરાયિલના મોતના કારણોની તપાસ કરવામાં આવશે.
સરકારે ભર્યું પગલું
શ્રમ રાજ્ય મંત્રી શોભા કરંદલાજે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે એના સેબેસ્ટિયન પેરાયિલના દુખદ મોતથી ખુબ દુખી છું. અસુરક્ષિત અને ટોક્સિક વર્ક કલ્ચરના આરોપોની ઊંડી તપાસ ચાલી રહી છે. અમે ન્યાય સુરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને શ્રમ મંત્રાલયે અધિકૃત રીતે ફરિયાદને પોતાના હાથમાં લીધી છે.
શોભા કરંદલાજે ભાજપ નેતા રાજીવ ચંદ્રશેખરની એક પોસ્ટનો જવાબ આપ્યો હતો જેમણે એનાના મોતને ખુબ દુખદ અને પરેશાન કરનારો ગણાવ્યો હતો. તેમણે અન્સર્ટ એન્ડ યંગ ઈન્ડિયામાં શોષણકારી કાર્ય વાતાવરણના તેમના પરિવારના આરોપોની તપાસની માંગણી કરી હતી.
માતાએ લેટરમાં શું લખ્યું
કેરળની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એના સેબેસ્ટિયન પેરાયિલના માતા અનીતા ઓગસ્ટાઈને ઈવાયના ચેરમેન રાજીવ મેમાનીના નામે એક પત્ર લખ્યો, "હું આ પત્ર એક દુખી માતા તરીકે લખી રહી છું, જેણે તેનું બાળક ગુમાવી દીધુ. તે 19 માર્ચ 2024ના રોજ એક એક્ઝીક્યુટિવ તરીકે ઈવાય પુણેમાં સામેલ થઈ હતી. પરંતુ ચાર મહિના બાદ 20 જુલાઈના રોજ મારી દુનિયા ઉજડી ગઈ જ્યારે મને સમાચાર મળ્યા કે એના હવે આ દુનિયામાં નથી. મારી એના ફક્ત 26 વર્ષની હતી."
કામના બોજાના કારણે પુત્રી મરી ગઈ
અનીતાએ આગળ લખ્યું કે કામનો બોજો, નવો માહોલ અને લાંબા સમય સુધી કામ કરવાથી તેને ફિઝિકલ, ઈમોશનલ અને મેન્ટલ રીતે નુકસાન થયું. કંપની સાથે જોડાયાના તરત બાદ તે ચિંતા, અનીંદ્રા, અને તણાવનો અનુભવ કરવા લાગી. પરંતુ તે પોતાને આગળ વધારતી રહી,એવું માનીને કે એક દિવસ તેને આ સખત મહેનતનું ફળ મળશે.
પ્રેશરમાં લોકોએ આપ્યું રાજીનામું
એનાની માતાએ પત્રમાં ખુલાસો કર્યો કે જ્યારે એના આ ટીમમાં સામેલ થઈ તો તેને જણાવવામાં આવ્યું હતું કે અનેક કર્મચારીઓએ વધુ કામના કારણે રાજીનામું આપી દીધુ છે. તેના ટીમ મેનેજરે તેને કહ્યું હતું કે એના તારે આપણી ટીમ વિશે દરેકનો મત બદલવો જોઈએ. પરંતુ તેને અહેસાસ નહતો કે તેણે પોતાની જિંદગી ગુમાવીને તેની ચૂકવણી કરવી પડશે.
મોડી રાત અને વીકેન્ડ્સ પર પણ કામ કરતી હતી
અનીતાએ લખ્યું કે એના પાસે કંપનીનું ઘણું કામ હતું. તેને આરામ કરવા માટે ખુબ ઓછો સમય મળતો હતો. તેનો મેનેજર મોટા ભાગની મીટિંગો રિશિડ્યુલ કરતો હતો અને દિવસના અંતમાં કામ અસાઈન કરતો હતો, જેનાથી તેણે મોડી રાત સુધી કામ કરવું પડતું હતું અને તણાવ વધી જતો હતો. એટલે સુધી કે તેણે વીકેન્ડ્સમાં પણ કામ કરવું પડતું હતું.
રાત-રાત કામ સોંપતા બોસ
મૃતકની માતાએ કહ્યું કે તેના મેનેજરે એકવાર તેને રાતે કામ આપ્યું અને બીજા દિવસે સવાર સુધીમાં પૂરું કરવાનું કહ્યું. આવામાં તે આખી રાત કામ કરતી રહી અને બીજા દિવસે સવારે આરામ કર્યા વગર ઓફિસ પહોંચી. અંતે એનાની માતાએ કંપનીને જવાબદારી લેવાની અપીલ કરી. તેમણે લખ્યું કે નવા લોકો પર આ પ્રકારે કામનો બોજો નાખવો, તેમને દિવસ રાત કામ કરવા માટે મજબૂર કરવા, એટલે સુધી કે રવિવારે પણ કામ કરવા આપવું એ યોગ્ય નથી.
કાશ કોઈ પુત્રી આવું ન ઝેલે
પત્રમાં લખ્યું છે કે એનાના મૃત્યુને ઈવાય માટે એક વેકઅપ કોલ તરીકે કામ કરવું જોઈએ. મને આશા છે કે આ પત્ર તમારા સુધી એ ગંભીરતા સાથે પહોંચશે જેની તે હકદાર છે. મને નથી ખબર કે શું કોઈ વાસ્તવમાં એક માતાની ભાવનાને સમજી શકે છે, પરંતુ મને આશા છે કે મારા બાળકનો અનુભવ વાસ્તવિક પરિવર્તન તરફ લઈ જશે જેથી કરીને કોઈ અન્ય પરિવારે આ દુખમાંથી પસાર ન થવું પડે.
કંપનીએ શું જવાબ આપ્યો
અનીતાના પત્ર બાદ કંપનીએ કહ્યું કે જુલાઈ 2024માં એના સેબેસ્ટિયનના દુખદ અને અકાળે નિધનથી અમે ખુબ દુખી છીએ અને અમારી ગાઢ સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવાર સાથે છે. એના પુણેમાં ઈવાય ગ્લોબલની સદસ્ય ફર્મ એસઆર બટલીબોઈમાં ઓડિટ ટીમનો ભાગ હતી. આવા દુખદ રીતે તેની હોનહાર કરિયરનો અંત આવવો એ એક અપૂર્ણીય ક્ષતિ છે. કોઈ પણ ઉપાયપરિવાર તરફથી અનુભવ કરાયેલા નુકસાનની ભરપાઈ કરી શકે નહીં.
ક્યાંની હતી એના
એના કેરળના કોચ્ચિની હતી. તેણે નવેમ્બર 2023માં સીએની પરીક્ષા પાસ કરી હતી. માર્ચ 2024માં તેણે ઈએનવાય કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. કંપનીને લખેલા પત્રમાં મૃતકની માતાએ કહ્યું કે તેના અંતિમ સંસ્કારમાં કંપનીનો એક પણ કર્મચારી કે અધિકારી સામેલ થયા નહતા.
એના સેબિસ્ટિયન પેરાયિલની લિંક્ડઈન પ્રોફાઈલ મુજબ તેણે સેક્રેડ હાર્ટ કોલેજ થેવરાથી ફાઈનાન્સ એન્ડ ટેક્સેશનમાં બેચલર ઓફ કોમર્સનો અભ્યાસ કર્યો હતો. તેણે બીકોમનો અભ્યાસ પૂરો કર્યા બાદ સીએની તૈયારી શરૂ કરી હતી અને નવેમ્બર 2023માં એનાએ સીએની પરીક્ષા પાસ કરી હતી.