VIDEO: મુલાયમના પુત્રવધૂ અપર્ણાનો `ઘૂમર` ડાન્સ થયો વાઈરલ
સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવના નાના પુત્રવધૂ અપર્ણા બિષ્ટ યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હી: દેશભરમાં જ્યાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી માટે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ત્યાં આ ફિલ્મને ચાહનારા પણ ઓછા નથી. સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવના નાના પુત્રવધૂ અપર્ણા બિષ્ટ યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અપર્ણા યાદવ ફિલ્મ પદ્માવતીના ગીત ઘૂમર પર ડાન્સ કરી રહ્યાં છે. ઝી મીડિયા આ વીડિયોની સત્યતા પર પુષ્ટિ કરતું નથી. કહેવાય છે કે આ વીડિયો અપર્ણાના ભાઈ અમન બિષ્ટના લગ્નનો છે. વીડિયોમાં અપર્ણા પદ્માવતી ફિલ્મની રાણી પદ્માવતીના લુકમાં સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે.
અત્રે જણાવવાનું કે અપર્ણા બિષ્ટ પણ તે જ રાજપૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે જે લોકો ફિલ્મ પદ્માવતીને લઈને રસ્તાપર ઉતર્યા છે. લગ્ન પહેલા અપર્ણા પોતાનું નામ અપર્ણા બિષ્ટ ગણાવતા હતાં પરંતુ મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતિક સાથે લગ્ન કર્યા બાદ તેમણે પોતાનું નામ અપર્ણા બિષ્ટ યાદવ રાખ્યું.
નોંધનીય છે કે કેટલાક સંગઠનોએ ફિલ્મ પદ્માવતી જોયા વગર જ તેના પર ઈતિહાસ સાથે છેડછાડનો આરોપ લગાવ્યો છે. ફિલ્મ પદ્માવતીને લઈને વિવાદની શરૂઆત ઘૂમર ગીતથી થયો હતો. કરણી સેના અને રાજસ્થાનના રાજ ઘરાનાઓનો આરોપ છે કે ફિલ્મમાં ઈતિહાસને તોડી મરોડીને રજુ કરાયો છે. જેનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. અનેક નેતાઓ તો ફિલ્મના કલાકારો અને દિગ્દર્શકના માથાં પર ઈનામ જાહેર કરી ચૂક્યા છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. હાલ ફિલ્મની રીલિઝ ટળી છે.