અશોક ગહલોતની જાહેરાત, હું અને સચિન પાયલોટ બંન્ને ચૂંટણી લડીશું
સચિન પાયલોટે પણ મીડિયાને સંબોધિત કરતા પોતે ચૂંટણી લડી હોવાની વાત કરી હતી
જયપુર : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી મુદ્દે કોંગ્રેસની ખેંચતાણ ખતમ સતત ચાલી રહી છે. એક તરફ જ્યારે ટિકિટ મુદ્દે પાર્ટીમાં અસમંજસ યથાવત્ત છે. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહલોતે બુધવારે જાહેરાત કરી તે અને સચિન પાયલોટ ચૂંટણી લડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, AICCની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અશોક ગહલોતે મીડિયાને સંબોધિત કરતા આ નિવેદન આપ્યું છે. બીજી તરફ સચિન પાયલોટે પણ મીડિયાને સંબોધિત કરતા પોતે ચૂંટણી લડવાનાં હોવાની જાહેરાત કરી હતી.
બીજી તરફ આ દરમિયાન દૌસાથી ભાજપના સાંસદ હરીષ મીણા કોંગ્રેસમાં જોડાઇ ગયા. હરીશ મીણાના મુદ્દે સચિન પાયલોટે કહ્યું કે, મીણાનો પરિવાર કોંગ્રેસી રહ્યો છે. હવે હરીશ મીણાએ ઔપચારિક રીતે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે, જેના પરથી જ ખબર પડે છે કે કોંગ્રેસી વિચારધારા ધરાવતા લોકો આંતરિક રીતે જોડાયેલા જ રહે છે.
બીજી તરફ અશોક ગહલોતે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું કે, ભાજપ સરકાર જનતાની ભાવનાઓ સાથે રમત કરી રહી છે. રામ મંદિર અને દેશ ભક્તિનાં નામે ભાજપ દેશને ભડકાવી રહી છે. તેમણે ભાજપને ફોરેસ્ટ વિચારધારાનાં લોકો પણ જણાવ્યા. બીજી તરફ અમિત શાહ પર વ્યંગ કરતા ગહલોતે કહ્યું કે, અમિત શાહ 180 સીટોની વાત કરી રહ્યા છે, રામ મંદિરના નામે લોકોને બહેકાવવાની વાત કરી રહ્યા છે પરંતુ લોકો તેમની જાળમાં હવે ફસાશે નહી. જનતા હવે સમજદાર બની ગઇ છે.
ગહલોતે ભાજપ છોડીને કોંગ્રેસનાં આવનારા નેતાઓ અંગે કહ્યું કે, ભાજપની રીતિ નીતિમાં વિશ્વાસ નહી ધરાવતા લોકોનું કોંગ્રેસમાં સ્વાગત છે. અમને આનંદ છે કે અન્ય પાર્ટીનાં નેતાઓનું કોંગ્રેસમાં જોડાનારા નેતાઓની યાદી સતત લાંબી થઇ રહી છે. બીજી તરફ જ્યારે અશોક ગહલોતે તે રહસ્ય નથી ખોલ્યો કે તેઓ કંઇ સીટ પરથી ચૂંટણી લડશે.
હજી સુધી ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી ઉમેદવારોની યાદી મુદ્દે દિલ્હીમાં કોંગ્રેસની કમિટી બેઠકો ચાલી રહી છે. જો કે સોમવારે એવું નિવેદન આપ્યું હતું કે, મંગળવાર સુધીમાં યાદી બહાર પાડવામાં આવશે પરંતુ એવા સમાચારો આવ્યા કે સચિન પાયલોટ અને રામેશ્વર ડૂડીમાં ટપાટપી થયા બાદ કોંગ્રેસ યાદી જાહેર કરી શક્યું નહોતું. જો કે કોંગ્રેસનું કહેવું છે કે ઉમેદવારો મુદ્દે નેતાઓમાં કોઇ જ વિરોધ નથી. પાર્ટી ઝડપથી ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડશે.