નવી દિલ્હી: આમ આદમી પાર્ટીથી અલગ થયા બાદ આશુતોષે પહેલીવાર અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી આમ આદમી પાર્ટી પર ખુલ્લેઆમ પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે 2014ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જ્યારે તેમને ચાંદની ચોકથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યો હતો ત્યારે તેમની ઉપર પોતાના નામની આગળ 'અટક' લગાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેમણે પોતાની 23 વર્ષની પત્રકારત્વની કારકિર્દીમાં ક્યારેય આમ કર્યું નથી. તેમણે તેને પાર્ટીના વોટબેંક અને કાસ્ટની પોલિટિક્સ ગણાવી. આશુતોષે ટ્વિટ કરીને આપ પર નિશાન સાધ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

53 વર્ષના પૂર્વ આપ નેતાએ આજે સવારે ટ્વિટ કરીને કહ્યું કે 'મારી પત્રકારત્વની 23 વર્ષની કેરિયરમાં ક્યારેય મારી જાતિ અને સરનેમ પૂછાયા નથી. બધા મને મારા નામથી જાણે છે. પંરતુ 2014ની લોકસભા ચૂંટણીમાં જ્યારે મને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મેળવવામાં આવ્યાં ત્યારે મારા વિરોધ છતાં મારા સરનેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બાદમાં ને કહેવામાં આવ્યું કે સર તમે જીતશો કેવી રીતે, તમારી જાતિના અહીં ખુબ વોટ છે.'



જો કે ત્યારબાદ તેમણે વધુ એક ટ્વિટ કરતા કહ્યું કે મારી ટ્વિટ ટીવી HAWKS દ્વારા ખોટી સમજવામાં આવી છે. હું હવે આપ સાથે નથી, પાર્ટીના અનુશાસનથી બંધાયેલો નથી અને મારા વિચારો વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છું. મારા શબ્દોને આપ પર હુમલા સ્વરૂપે કહેવું ખોટુ હશે. આ મીડિયાની હેરફેર છે. મને છોડી દો. હું આપ વિરુદ્ધ બ્રિગેડનો સભ્ય નથી. 



અત્રે જણાવવાનું કે 2014ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આશુતોષને ચાંદની ચોકથી લોકસભા સીટથી ઉમેદવાર બનાવ્યા હતાં. અહીં તેમની સામે ભાજપના ડો.હર્ષવર્ધન મેદાનમાં હતાં. જેના કારણે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી નેતા આશુતોષે 15 ઓગસ્ટના રોજ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતું. તેમણે રાજીનામા માટે અંગત કારણ ગણાવ્યું હતું. આશુતોષે ટ્વિટ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. 


હકીકતમાં આ વર્ષની શરૂઆતમાં દિલ્હીની 3 રાજ્યસભા બેઠકો માટે થયેલી ચૂંટણીમાં પાર્ટી તરફથી તેમને પ્રબળ દાવેદારોની સૂચિમાં ગણવામાં આવ્યાં હતાં પરંતુ અંતમાં તેમને જગ્યા મળી નહીં. સૂત્રોનું કહેવું છે કે આ ઘટના બાદથી જ તેઓ પાર્ટીમાં હાંસિયામાં ગણવામાં આવી રહ્યાં હતાં. રાજ્યસભા ચૂંટણીના મુદ્દે જ ત્યારબાદ  કુમાર વિશ્વાસે બળવો પોકાર્યો હતો. હવે આશુતોષના રાજીનામાને પણ તે કડી સાથે જ જોડવામાં આવી રહ્યું છે.