`આ જાનના વરરાજા તો વી પી સિંહ છે`, અટલજીની જન્મજયંતી પર વાંચો મશહૂર કિસ્સાઓ
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 94મી જન્મજયંતી છે. આ વર્ષે જ તેમનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. વાજપેયી ઓજસ્વી વક્તા તો હતાં જ પરંતુ સાથે સાથે તેમની વાકપટુતા અને હાજરજવાબી પણ કમાલ હતાં. 50થી વધુ વર્ષો સુધીના સંસદીય જીવનમાં અનેક કિસ્સાઓ મશહૂર છે. આવા જ કેટલાક કિસ્સા અહીં રજુ કરવામાં આવ્યાં છે.
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 94મી જન્મજયંતી છે. આ વર્ષે જ તેમનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. વાજપેયી ઓજસ્વી વક્તા તો હતાં જ પરંતુ સાથે સાથે તેમની વાકપટુતા અને હાજરજવાબી પણ કમાલ હતાં. 50થી વધુ વર્ષો સુધીના સંસદીય જીવનમાં અનેક કિસ્સાઓ મશહૂર છે. આવા જ કેટલાક કિસ્સા અહીં રજુ કરવામાં આવ્યાં છે.
1984ની ચૂંટણી
ઈન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારબાદ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 401 બેઠકોનો પ્રચંડ બહુમત મળ્યો હતો. ત્યારબાદ આવો બહુમત ક્યારેય કોઈ પાર્ટીને મળ્યો નથી. કોંગ્રેસ ખુબ જ મજબુત જોવા મળી રહી હતી. પરંતુ બોફોર્સ કાંડ (1987) બાદ માહોલ બદલાવવા લાગ્યો. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી વિશ્વનાથ પ્રતાપ (વીપી) સિંહ કોંગ્રેસથી અલગ થઈ ગયાં. તેમણે બિન કોંગ્રેસી પક્ષો સાથે ગઠબંધન માટે માથાકૂંટ કરવા માંડી
વિપક્ષને પણ એવું લાગી રહ્યું હતું કે મજબુત કોંગ્રેસને ટક્કર આપવા માટે પક્ષો વચ્ચે ગઠબંધનની જરૂર છે. આ જ કડીમાં વી પી સિંહ અને ભાજપના ગઠબંધનની ચર્ચા ચાલી. જો કે રાજકીય વિશેષજ્ઞો કહે છે કે વી પી સિંહ, ભાજપ સાથે ગઠબંધનના પક્ષમાં ન હતાં પરંતુ રાજકીય ફાયદો નુકસાન જોતા આખરે તેઓ રાજી થઈ ગયાં. આ રીતે વીપી સિંહ અને ભાજપનું ગઠબંધન થયું.
ત્યારબાદ 1989ના ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે વાજપેયી અને વીપી સિંહ બંને એક સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતાં તો વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદીએ વાજપેયીને પૂછ્યું કે જો ચૂંટણી બાદ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરે તો શું તમે વડાપ્રધાન પદની જવાબદારી લેવા તૈયાર થશો? તો વાજપેયીએ મરક મરક હસતા જવાબ આપ્યો હતો કે આ જાનના વરરાજા વી પી સિંહ છે. પત્રકાર વિજય ત્રિવેદીએ અટલ બિહારી વાજપેયી પર એક પુસ્તક લખ્યું છે. તેમનું પુસ્તક હાર નહીં માનુંગા:એક અટલ ગાથા માં આ પ્રકારના અનેક રોચક કિસ્સાઓ સામેલ કરવામાં આવ્યાં છે. આ પુસ્તક હાર્પર કોલિંસ પ્રકાશન દ્વારા છપાયું છે.
પદયાત્રા પર સવાલ
આ જ પ્રકારનો એક અન્ય કિસ્સો પણ ખુબ મશહૂર છે. ઈન્દિરા ગાંધીના કાળમાં ઉત્તર પ્રદેશમાં દલિતો પર અત્યાચારની ઘટના ઘટી. તેના વિરોધમાં વાજપેયી પદયાત્રા પર નીકળી પડ્યાં. તે દરમિયાન તેમના મિત્ર અપ્પા ઘટાટેએ પૂછ્યું કે તમારી આ યાત્રા ક્યાં સુધી ચાલશે? તેના પર વાજપેયીએ જવાબ આપ્યો કે જ્યાં સુધી પદ ન મળે ત્યાં સુધી યાત્રા ચાલતી રહેશે.
હું પણ બિહારી છું
વર્ષ 2004ની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી બિહારમાં એક ચૂંટણી જનસભામાં પહોંચ્યાં. જ્યારે તેઓ ભાષણ માટે મંચ પર આવ્યાં તો બિહાર સાથે નાતો જોડતા તેમણે કહ્યું કે હું અટલ છું અને બિહારી પણ છું. જેના પર જનતાએ ખુબ જ તાળીઓ પાડી હતી.