LIVE: અટલજીએ AIIMSમાં 93 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, કાલે અંતિમ યાત્રા
ભારત રત્ન, ભારતના સપૂત એવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું આજે સાંજે એઇમ્સમાં નિધન થયું.
નવી દિલ્હી: ભારત રત્ન, ભારતના સપૂત એવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનું આજે સાંજે નિધન થયું છે. આ સાથે જ દેશમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. સવારથી જ જે અનહોનીનો ડર હતો એવું જ થયું છે. નિશબ્દ હું, શૂન્ય નહીં...જેવી અનેક રચનાઓના જન્મદાતાએ એઇમ્સ ખાતે આજે સાંજે પાંચ વાગ્યાને પાંચ મિનિટના અરસામાં છેલ્લા શ્વાસ લીધા છે. આવતી કાલે રાજકીય માનસન્માન સાથે અંતિમયાત્રા નીકાળાશે.
અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થા (એમ્સ)માં દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત બુધવારે વધુ બગડી હતી. તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. છે. આ અગાઉ એમ્સની બહારથી ભીડને હટાવી દેવાઈ અને મીડિયાકર્મીઓને એમ્સની અંદર જવા માટે કહેવામાં આવ્યું. એમ્સની બહારથી પોલીસની ગાડીઓને હટાવી દેવાઈ હતી. ભાજપે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યા છે. વાજપેયી 11 જૂનથી એમ્સમાં દાખલ છે. સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અટલજીની હાલત ખુબ ગંભીર છે અને તેમના સ્વાસ્થ્યને સારું કરવા માટે ડોક્ટરો પૂરી તાકાતથી કામ કરી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ અટલ બિહારી વાજપેયીના હાલચાલ જાણવા માટે એમ્સ પહોંચ્યા છે. પીએમ મોદી ફરી પહોંચ્યા એમ્સ, જુઓ વીડિયો
કૃષ્ણા મેનન સુધીનો માર્ગ ખાલી કરાવાયો
કહેવાય છે કે થોડીવારમાં ત્રીજુ હેલ્થ બુલેટિન પણ જારી કરવામાં આવી શકે છે. આ બાજુ એમ્સથી કૃષ્ણા મેનન સુધીનો માર્ગ ખાલી કરાવી નાખવામાં આવ્યો છે. પીએમ મોદીએ પણ આજે ફરીથી એમ્સ જઈને અટલ બિહારી વાજપેયીના સ્વાસ્થ્ય અંગે જાણકારી લીધી.
સાંજે સાત વાગે જારી થઈ શકે છે હેલ્થ બુલેટિન
કહેવાય છે કે સાંજે 7 વાગે અટલ બિહારી વાજપેયીના સ્વાસ્થ્યને લઈને ત્રીજુ મેડિકલ બુલેટિન જારી કરવામાં આવી શકે છે. આ બાજુ બપોરે 11 વાગ્યા બાદ ફારુક અબ્દુલ્લા, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા પણ અટલ બિહારી વાજપેયીના હાલચાલ જાણવા માટે એમ્સ પહોંચ્યા હતાં.
નવું મેડિકલ બુલેટિન જારી
એમ્સ દ્વારા નવું મેડિકલ બુલેટિન જારી કરવામાં આવ્યું છે. જો કે તેમાં કોઈ સુધારો નથી. ગત રાતે જે પ્રેસ રિલિઝ જારી કરવામાં આવી હતી તેમાં બહુ ફેરફાર નથી. તેઓ હજુ પણ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેમની ગંભીર સ્થિતિમાં કોઈ સુધારો નથી. અને તેમની સ્થિતિ હજુ પણ અત્યંત નાજુક છે.
બુધવારે એમ્સે તેમના સ્વાસ્થ્ય પર એક બુલેટિન જારી કરતા કહ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં તેમની તબિયત વધુ બગડી છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમની તબિયતના સમાચાર મળતા જ વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓ તેમને મળવા એમ્સ પહોંચ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી. ગુરુવારે એટલે કે આજે વહેલી સવારે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પણ પૂર્વ વડાપ્રધાનની તબિયત જાણવા અને મળવા માટે એમ્સ પહોંચ્યાં હતાં. થોડીવારમાં હોસ્પિટલ તરફથી મેડિકલ બુલેટિન જારી કરવામાં આવશે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વાજપેયીની તબિયતની જાણકારી લેવા માટે એમ્સ જશે.
અમિત શાહ પહોંચ્યા એમ્સ
આજે સવારે લગભગ 8.50 વાગે ભાજપ અધ્યક્ષ અમિત શાહ વાજપેયીજીના હાલચાલ જાણવા માટે એમ્સ પહોંચ્યાં. આ અગાઉ આજે સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ એમ્સ પહોંચ્યા હતાં અને તેમણે વાજપેયીના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં એમ્સ પહોંચશે. આ બાજુ એમ્સ તરફથી બહુ જલદી મેડિકલ બુલેટિન જારી કરવામાં આવી શકે છે.
વાજપેયીને કિડનીની નળીમાં ઈન્ફેક્શન, છાતીમાં અકડાઈ, મૂત્રનળીમાં ઈન્ફેક્શન વગેરે સમસ્યા ઊભી થતા 11 જૂને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડાયાબિટિસના દર્દી એવા 93 વર્ષના વાજપેયીની એક જ કિડની કામ કરે છે.
વડાપ્રધાન મોદી બુધવારે સાંજે આશરે 7.15 કલાકે હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં લગભગ 50 મિનિટ રહ્યાં. મોદી બાદ રેલવે પ્રધાન પીયૂષ ગોયલ અને ભાજપ સાંસદ મીનાક્ષી લેખી પણ એમ્સ પહોંચ્યા. આ પહેલા સ્મૃતિ ઇરાનીએ પણ એમ્સ જઈને વાજપેયીના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી.
વાજપેયીજી છેલ્લા કેટલાય સમયથી બીમાર છે. તેઓ નવી દિલ્હીમાં 6-એ કૃષ્ણામેનન માર્ગ સ્થિત સરકારી નિવાસ સ્થાનમાં રહે છે. તેમને ઉઠવા બેસવા અને બોલવામાં પરેશાની થાય છે. છેલ્લા કેટલાક સમયથી તો તેમને લોકોને ઓળખવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. તેમના નિવાસ પર એમ્સના જ ડોક્ટરોની એક ટીમ તેમની દેખભાળ માટે તહેનાત હતી. અત્રે જણાવવાનું જૂન 2011માં વાજપેયીનું ઘૂંટણનું ઓપરેશન થયું હતું અને ત્યારબાદ તેમનુ સ્વાસ્થ્ય સતત કથળતું ગયું હતું.