નવી દિલ્હી: અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ સમક્ષ આજે થયેલી સુનાવણીમાં કેસમાં ફરીથી એક તારીખ પડી. સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને પાંચ સભ્યોવાળી બેન્ચમાં જસ્ટિસ યુ યુ લલિતના સામેલ થવા પર સવાલ ઉઠાવ્યાં હતાં. રાજીવ ધવને કહ્યું કે જસ્ટિસ લલિત 1994માં કલ્યાણ સિંહના વકીલ રહી ચૂક્યા છે. રાજીવ ધવને સવાલ ઉઠાવ્યાં બાદ ચીફ જસ્ટિસે બાકીના જજો સાથે ચર્ચા વિચારણા કરી. જે દરમિયાન જસ્ટિસ યુ યુ લલિતે સુનાવણીથી પોતાને અલગ કરવાની વાત રજુ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે આ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત
વકીલોના પરિવાર સાથે ઘરોબો ધરાવનાર યુ યુ લલિત સુપ્રીમ કોર્ટના છઠ્ઠા એવા વકીલ છે જે સીધા સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયાં. 13 ઓગસ્ટ 2014ના રોજ યુ યુ લલિતે સુપ્રીમ કોર્ટના જજ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. પૂર્વ સીજેઆઈ આર એમ લોઢાના નેતૃત્વવાળા જજોના કોલેજિયમે તેમને નામિત કર્યા હતાં. 22 નવેમ્બર 2022ના રોજ યુ યુ લલિત આ પદેથી રિટાયર થશે. આ અગાઉ યુ યુ લલિત 74 દિવસ માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પણ બની શકે છે. 


અયોધ્યા કેસ: બંધારણીય બેન્ચમાંથી જસ્ટિસ યુ યુ લલિત બહાર, આગામી સુનાવણી 29 જાન્યુઆરીએ


કેમ ઉઠ્યો સવાલ?
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને જસ્ટિસ લલિતના બેન્ચમાં સામેલ થવા પર એમ કહીને સવાલ ઉઠાવ્યો હતો કે એક સમયે અયોધ્યા કેસ સંબંધિત એક મામલામાં તેઓ વકીલ તરીકે રજુ થઈ ચૂક્યા છે. સુનાવણી શરૂ થતા જ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે જસ્ટિસ યુ યુ લલિત 1994માં કલ્યાણ સિંહના વકીલ તરીકે રજુ થયા હતાં. જેના પર વરિષ્ઠ વકીલ હરીશ સાલવેએ કહ્યું હતું કે તેનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે જે મામલામાં જસ્ટિસ લલિત વકીલ તરીક હતાં તે મામલો બિલકુલ અલગ હતો. તે એક અપરાધિક મામલો હતો. જેના પર ધવને કહ્યું હતું કે જસ્ટિસ લલિત બેન્ચમાંથી અલગ થાય તેવું તેઓ માંગણી કરતા નથી, પરંતુ તેઓ તો માત્ર જાણકારી માટે જણાવી રહ્યાં હતાં. ત્યારબાદ જસ્ટિસ લલિત કેસની સુનાવણીથી હટવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 


જસ્ટિસ લલિત દ્વારા બેન્ચથી બહાર થવાની ઈચ્છા રજુ કરાયા બાદ સીજેઆઈએ કહ્યું કે જસ્ટિસ લલિત હવે આ બેન્ચમાં નહીં રહે. આથી સુનાવણી સ્થગિત કરવી પડશે. હવે અયોધ્યા મામલે સુનાવણી માટે નવી બેન્ચ બનાવવી પડશે. જસ્ટિસ લલિતની જગ્યાએ કોઈ અન્ય જજને તેમાં સામેલ કરવા પડશે. અત્રે જણાવવાનું કે 6 જાન્યુઆરીના રોજ સીજેઆઈ ગોગોઈએ અયોધ્યા મામલાની સુનાવણી માટે 5 સભ્યોની બંધારણીય બેન્ચનું ગઠન કર્યુ હતું. 


5 જજોની બંધારણીય બેન્ચ
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી આ પાંચ જજોની બંધારણીય પેનલના અન્ય સભ્યોમાં જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એન વી રમણ, જસ્ટિસ ઉદય યૂ લલિત, જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડ સામેલ હતાં. નવી રચાયેલી પાંચ સભ્યોની બેન્ચમાં હાલના ચીફ જસ્ટિસ ઉપરાંત ચાર અન્ય જજો પણ સામેલ થતાં જે ભવિષ્યમાં સીજેઆઈ બની શકે છે. જસ્ટિસ ગોગોઈના ઉત્તરાધિકારી ન્યાયમૂર્તિ બોબડે હશે. ત્યારબાદ જસ્ટિસ રમણ, જસ્ટિસ લલિત અને જસ્ટિસ ચંદ્રચૂડનો વારો આવશે. 


જસ્ટિસ લલિતનું ફેમિલી બેકગ્રાઉન્ડ અને વકીલાતની શરૂઆત
જસ્ટિસ યુ યુ લલિતના પિતા જસ્ટિસ યુ આર લલિત દિલ્હી હાઈકોર્ટમાં જજ હતાં અને તેની પહેલા તેઓ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂક્યા હતાં. ત્યારબાદ તેઓને બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ બનાવવામાં આવ્યાં હતાં. પિતાના પગલે ચાલીને યુ યુ લલિતે 1983માં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. વર્ષ 1986માં તેમણે સુપ્રીમ કોર્ટમાં વકીલાત શરૂ કરી. વર્ષ 1986થી 1992 સુધીમાં યુ યુ લલિતે પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજી સાથે પણ કામ કર્યું. 


29 એપ્રિલ 204ના રોજ યુ યુ લલિતને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ તરીકેનો દરજ્જો અપાયો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જી એસ સિંઘવી અને જસ્ટિસ એ કે ગાંગુલીની બેન્ચે વર્ષ 2011માં યુ યુ લલિતને ટુજી સ્પેક્ટ્રમ સંબંધિત મામલાઓમાં સીબીઆઈ તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એપોઈન્ટ કર્યા હતાં. 


અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમમાં 14 અરજીઓ દાખલ
અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદથી સંબંધિત 2.77 એકર ભૂમિ મામલે અલાહાબાદ હાઈકોર્ટેના 30 સપ્ટેમ્બર 2010ના 2:1 બહુમતના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અરજી દાખલ થઈ છે. હાઈ કોર્ટે આ ચુકાદામાં વિવાદાસ્પદ ભૂમિ સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાન વચ્ચે બરાબર વહેંચવાનો આદેશ આપ્યો હતો. 


આ ચુકાદાને પડકારવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મે2011માં હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવવાની સાથે જ વિવાદાસ્પદ સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...