VIDEO: સરયુ નદીના કિનારે એક સાથે 3 લાખથી વધુ દીવા પ્રગટાવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલાએ સરયુ નદી ખાતે આયોજિત મહાઆરતીમાં ભાગ લીધો હતો.
નવી દિલ્હીઃ અયોધ્યામાં સરયુ નદીના કિનારે દીપોત્સવ-2018નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે દક્ષિણ કોરિયાનાં પ્રથમ મહિલાએ સરયુ નદી ખાતે આયોજિત મહાઆરતીમાં ભાગ લીધો હતો. આ મહાઆરતીમાં 3,01,152 દીવા પ્રગટાવામાં આવ્યા હતા, જેણે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઈક અને કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહ પણ આ ક્રાયક્રમમાં હાજર રહ્યા હતા. અયોધ્યા દીપોત્સવ 2018 દ્વારા સ્થાપિત આ વર્લ્ડ રેકોર્ડ પહેલાં વિશ્વમાં એક પણ સ્થળે એકસાથે આટલા બધા દીવા પ્રગટાવામાં આવ્યા ન હતા.
આ પ્રસંગે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પહેલાં યોગી આદિત્યનાથે દક્ષિણ કોરિયાનાં પ્રથમ મહિલા કિમ-જોંગ-સુક સાથે સરયુ નદીના કિનારે આરતી ઉતારી હતી.
દક્ષિણ કોરિયાનાં પ્રથમ મહિલા કિમ-જોંગ-સુકે અયોધ્યા આગમન બાદ રાની હોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ત્યાર બાદ તેમણે રાની હો સ્મારક પાર્કનો શિલાન્યાસ પણ કર્યો હતો. કિમ-જોંગ-સુકે રામ અને સીતાના સ્વરૂપો દ્વારા સ્વાગત કારાયા બાદ રામકથા પાર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીંથી તેઓ નયા ઘાટ અને રેમકી પેડી પર આયોજિત આરતી અને દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમો બાદ સુક લખનઉ માટે પ્રસ્થાન કરવાનાં છે.
સુક 7 નવેમ્બરે વિમાનમાર્ગે આગરા માટે રવાના થશે. અહીં તેઓ તાજમહેલ નિહાળ્યા બાદ દક્ષિણ કોરિયા પરત જવા નિકળી જશે.
સુક સાથે દક્ષિણ કોરિયાનાં પ્રવાસન, સંસ્કૃતિ અને રમતગમત મંત્રી દો-જાંગ હ્વાન, રાજદૂત શિન વાગકિલ, ગિમહે સિટીના મેયર હુર-સુંગ-કોનએ, ગિમહે સિટી કાઉન્સિલના સભાપતિ કિમ હુવાંગ સુ પણ આવ્યા છે. આ ઉપરાંત તેમનાં પ્રતિનિધિમંડળમાં 43 અન્ય સભ્યો પણ છે.