અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ આવતા વર્ષે એપ્રિલ મહિનામાં 'રામ નવમી'થી શરૂ થવાની સંભાવના છે. 2020માં 2 એપ્રિલના રોજ 'રામ નવમી' આવી રહી છે અને આ પર્વ ભગવાન રામના જન્મનો ઉત્સવ છે. વિશ્વ હિન્દુ પરિષદના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, "રામ જન્મભૂમિ મંદિરના નિર્માણની શરૂઆત કરવા માટે આના કરતાં શ્રેષ્ઠ કોઈ તિથિ હોઈ શકે નહીં. ટ્રસ્ટની સ્થાપના માટે ત્રણ મહિનાનો સમય છે અને તે ફેબ્રુઆરીમાં સમાપ્ત થવાનો છે. ત્યાં સુધી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ જશે. જોકે, તારીખ નક્કી કરતા પહેલા સરકાર સાથે ચર્ચા જરૂર કરીશું."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુળ જગ્યાએ નિર્માણકામ શરૂ કરતાં પહેલાંની તૈયારીઓ 'મકરસક્રાંતિ'થી શરૂ કરવામાં આવશે. વિહિપ નથી ઈચ્છતી કે મંદિરના નિર્માણ માટે એક નવો 'શિલાન્યાસ' કાર્યક્રમ યોજાય, કેમ કે આ અગાઉ નવેમ્બર, 1989માં થઈ ચૂક્યો છે. વિહિપની ઈચ્છા છે કે મંદિરને ચંદ્રકાંત સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઈન અનુસાર બનાવવામાં આવે. પ્રસિદ્ધ વાસ્તુકારે 1989માં પૂર્વ વિહિપ પ્રમુખ અશોક સિંઘલના અનુરોધ પર આ ડિઝાઈન બનાવી હતી. 


સોમનાથ મંદિરની માફક બનશે ટ્રસ્ટ, જાણો ક્યારે શરૂ થશે રામ મંદિરનું નિર્માણ


સોમપુરાની ડિઝાઈનના આધારે અયોધ્યામાં કારસેવકપુરમમાં મંદિરનું એક મોડલ મુકવામાં આવ્યું છે. વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું કે, "અમે આશા રાખીએ છીએ કે નવા મંદિરનું નિર્માણ તેના આધારે જ કરાશે." તેમણે કહ્યું કે, મંદિર માટે પથ્થર કોતરવાનું અને સ્તંભ નિર્માણનું કામ ખુબ જ આગળ વધી ગયું છે અને તેનો ઉપયોગ નિર્માણમાં કરવામાં આવશે. 


વિહિપના અનુસાર મંદિરના પૂર્ણ નિર્માણ માટે 1.25 લાખ ઘનફુટ પથ્થર પર કોતરણી કરવામાં આવી છે અને આખા મંદિર માટે 1.75 લાખ ઘનફૂટ પથ્થરની જરૂર રહેશે. સૂત્રોના અનુસાર મંદિરના નિર્માણમાં 4 વર્ષ લાગશે, એટલે કે, 2024ની સામાન્ય ચૂંટણી પહેલા આ મંદિર તૈયાર થઈ જશે. 


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....