અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મહારાષ્ટ્રથી `ચાંદીની ઈંટ` લઈને આવી રહ્યાં છે ઉદ્ધવ ઠાકરે-સૂત્ર
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રાજકારણમાં જબરદસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ આજે આશીર્વાદ ઉત્સવમાં સામેલ થવા માટે પોતાના પરિવાર સાથે અયોધ્યા પહોંચી રહ્યાં છે.
નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રાજકારણમાં જબરદસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ આજે આશીર્વાદ ઉત્સવમાં સામેલ થવા માટે પોતાના પરિવાર સાથે અયોધ્યા પહોંચી રહ્યાં છે. તેમના આગમન પહેલા શિવસૈનિકો ભરેલી બે ટ્રેનો અયોધ્યા પહોંચી ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ઉદ્ધવ ઠાકરે રામ મંદિરના નિર્માણ માટે મહારાષ્ટ્રથી પોતાની સાથે ચાંદીની એક ઈંટ પણ લઈને આવી રહ્યાં છે. કહેવાય છે કે આ ઈંટ સંતોને સોંપવામાં આવશે.
શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના પત્ની રશ્મિ ઠાકરે, પુત્ર આદિત્ય ઠાકરે પણ અયોધ્યા પહોંચી રહ્યાં છે. તેઓ બપોરે 2 વાગે એરપોર્ટ પહોંચશે. અને 3 વાગે લક્ષ્મણ કિલ્લા પહોંચશે. જ્યાં તેઓ સંતો સાથે મુલાકત કરશે. ત્યારબાદ સાંજે 6 વાગે સરયુના ઘાટે મહાઆરતીમાં સામેલ થશે અને આ દરમિયાન તેમનો પરિવાર પણ તેમની સાથે હશે.
આ બાજુ વારાણસીથી પણ એક ટ્રેન વીએચપીના કાર્યકરોને લઈને 2 વાગે અયોધ્યા માટે રવાના થશે. રવિવારે અહીં વીએચપીની ધર્મસભાનું આયોજન કરાયું છે. બંને કાર્યક્રમોને ધ્યાનમાં રાખતા પ્રશાસને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કર્યા છે. પ્રશાસને લગભગ 70,000 સુરક્ષાકર્મીઓને અયોધ્યામાં તહેનાત કર્યા છે.
કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત કરાયા છે. અયોધ્યામાં કલમ 144 લાગુ કરાઈ છે. શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. શહેરની લગભગ 50 શાળાઓમાં સુરક્ષાદળોના કેમ્પ લગાવવામાં આવ્યાં છે. લખનઉમાં પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે અયોધ્યામાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે એક એડિશનલ ડીજીપી સ્તરના અધિકારી, એક ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ, 3 એસએસપી, 10 એએસપી, 21 ક્ષેત્રાધિકારી, 160 ઈન્સ્પેક્ટર, 700 કોન્સ્ટેબલ, પીએસીની 42 ટુકડી, આરએએફની પાંચ કંપનીઓ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત એટીએસના કમાન્ડો અને ડ્રોન કેમેરા પણ નિગરાણી માટે તહેનાત કરાયા છે.
જો કે કહેવાઈ રહ્યું છે કે મુસ્લિમ સમુદાયમાં ડરનો માહોલ છે. કેટલાક લોકોએ શુક્રવારથી જ ઘરમાં જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરવા માંડ્યો છે. તેમણે અનાજ, ફળ, શાકભાજી અને દવાઓનો સ્ટોક કરી લીધો છે. અનેક લોકોને એ વાતનો ડર છે કે ક્યાંક 6 ડિસેમ્બર 1992 જેવી ઘટના ફરી ન ઘટે. આજે અયોધ્યામાં શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. શહેરની લગભગ 50 શાળાઓમાં સુરક્ષાદળોના કેમ્પ લગાવવામાં આવ્યાં છે.