અદભૂત! દાદાએ કર્યું `વિખરાયેલા` સોમનાથ મંદિરનું નવનિર્માણ, પૌત્ર બન્યા અયોધ્યાના રામ મંદિરના `વિશ્વકર્મા`
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સાથે રામલલ્લા બિરાજમાન થશે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા સમયે મંદિરના ગર્ભગૃહમાં ખુદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેશે. ભવ્ય રામ મંદિરને ગુજરાતના સોમનાથ મંદિર સાથે પણ ગાઢ કનેક્શન છે. જાણો કઈ રીતે....
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂરા વિધિ વિધાનથી 22 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. તેના બે દિવસ પહેલા 20 જાન્યુઆરીના રોજ ગર્ભગૃહને સરયૂના જળના 81 કળશથી ધોવામાં આવશે. આમ કર્યા બાદ વાસ્તુની પૂજા કરવામાં આવશે. જે જાણકારી હજુ સુધી સામે આવી છે તે મુજબ 21 જાન્યુઆરીના રોજ અલગ અલગ તીર્થોથી લાવવામાં આવેલા 125 કળશ જળથી રામલલાને સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ એટલે કે 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા ફક્ત 1 મિનિટ અને 24 સેકન્ડમાં પૂર્ણ કરાશે. પણ અહીં તમને એક ખાસ વાત એ જણાવીશું કે આ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરને ગુજરાતના સોમનાથ મંદિર સાથે પણ ગાઢ કનેક્શન છે. જાણો કઈ રીતે....
રામ મંદિરનું સોમનાથ મંદિર સાથે કનેક્શન
હવે આ તો થઈ પ્રાણ પ્રતિષ્ઠાની વાત પરંતુ અહીં એક ખુબ મહત્વની જે વાત કરવાની છે તે છે રામ મંદિરની ડિઝાઈન જેમણે તૈયાર કરી છે તે ગુજરાતી વિશે. આ જ ગુજરાતીનું સોમનાથ મંદિર સાથે પણ કનેક્શન છે. રામમંદિર કેવુ બનશે તેની ડિઝાઈન છેલ્લાં 30થી વધુ વર્ષથી તૈયાર છે. રામ મંદિર માટે VHP સાથે રહીને રામ મંદિર નિર્માણ આંદોલન દરમિયાન અમદાવાદના આર્ટિટેક્ટ ચંદ્રકાન્ત સોમપુરાએ ડિઝાઈન તૈયાર કરી હતી. રામમંદિરનો દરેક ખૂણો કેવો હશે તેનું સંપૂર્ણ પ્લાનિંગ તેમની પાસે રેડી હતું. રામમંદિરના મુખ્ય આર્કિટેક ચન્દ્રકાંત સોમપુરા અમદાવાદના વતની છે.સોમનાથ મંદિરની ડિઝાઈન પર સોમપુરા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જ બનાવાઈ હતી. આ સોમપુરા ફાઉન્ડેશન ટ્રસ્ટ શિલ્પકામ સાથે સંકળાયેલું છે અને મંદિર બાંધકામ કરવામાં આવે છે. રામમંદિરના મુખ્ય આર્કિટેક્ટ ચન્દ્રકાંત સોમપુરા છે.
શિલ્પ સ્થાપત્યના શિલ્પીઓ છે સોમપુરા
હિન્દુ સંસ્કૃતિના ઈતિહાસમાં સૌથી વધુ મંદિરો અને શિલ્પ સ્થાપત્યની કળા સોમપુરા નામના શિલ્પીઓ પાસે રહેલી છે. પરંતુ હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા કુટુંબો પાસે જ આ કળા રહી છે, જે આજે પણ દેશ-વિદેશમાં મંદિરો શિવાલય અને જૈન દેરાસરોની શિલ્પી કારીગરીથી ભવ્ય વારસાનો નજારો છોડી જાય છે. પ્રાચીન અર્વાચીન મંદિરો જેવા કે રાણકપુર, પાલીતાણા, દેલવાડાના દેરાની કલાત્મક કોતરણી વિશ્વભરમાં નામના ધરાવે છે. એ જ શિલ્પીઓ દ્વારા અનેક ધાર્મિક સંસ્કૃતિ મુજબ ગુજરાતમાં સંખ્યાબંધ મંદિરો બનાવવામાં આવ્યા છે. હવે વિદેશમાં પણ સંસ્કૃતિ મુજબના શિખરબંધ જૈન મંદિર અમેરિકાના વોશિંગ્ટનમાં જોવા મળે છે.
સોમનાથ મંદિરના પણ શિલ્પકાર છે
પ્રાચીન પ્રભાસ પાટણ અને અત્યારનું સોમનાથ.... જ્યાં આવેલું છે જગવિખ્યાત સોમનાથ મંદિર. આઝાદી બાદ વિખરાયેલા સોમનાથ મંદિરના નવનિર્માણ માટે શ્રી સોમનાથ મહા મેરુ પ્રસાદના બાંધકામનો નિર્ણય લેવાયો અને સોમનાથ ટ્રસ્ટ તરફથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા તેનું કામ જાણીતા ટેમ્પલ આર્કિટેક્ટ શ્રી પ્રભાશંકરભાઈ ઓઘડભાઈ સોમપુરાને સોંપવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટની શરૂઆત 1947માં થઈ હતી અને તેનું કામ 1952માં પૂરું થયું હતું. હવે તમને કનેક્શન જણાવી દઈએ કે રામ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ ચન્દ્રકાંત સોમપુરા એ સોમનાથ મંદિરના નવનિર્માણનું કામ હાથ ધરનારા પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાના પૌત્ર છે. એટલે કે દાદાએ સોમનાથ મંદિરની શાન વધારી અને હવે પૌત્ર રામ મંદિરને આકાર આપી રહ્યા છે.
પ્રાણ પ્રતિષ્ઠા વિધિ
અત્રે જણાવવાનું કે 22 જાન્યુઆરીએ અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે રામલલ્લા બિરાજમાન થશે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા સમયે મંદિરના ગર્ભગૃહમાં ખુદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેશે. તો સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહમાં હાજરી આપશે. તો મુખ્ય આચાર્ય પણ ગર્ભગૃહમાં હાજર હશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમયે મંદિરના પડદા બંધ રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌથી પહેલાં ભગવાન શ્રીરામ અરીસામાં પોતાનો ચહેરો જોશે. તો પ્રાણ પ્રતિષ્ઠામાં દલપૂજા માટે આચાર્યોએ 3 ટીમો બનાવી છે. જેમાં પહેલા દળનું નેતૃત્વ સ્વામી ગોવિંદ દેવગીરી કરશે. બીજા દળનું નેતૃત્વ શંકરાચાર્ય વિજયેન્દ્ર સરવસ્વતી કરશે, તો ત્રીજા દળમાં કાશીના 21 વિદ્યાનોને રખાયા છે. અયોધ્યામાં એક અઠવાડિયા પહેલાંથી વિવિધ અનુષ્ઠાન કાર્યક્રમો ચાલુ થઈ જશે. 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થશે. પરંતુ પ્રાણ પ્રતિષ્ઠાના 7 દિવસ પહેલાંથી એટલે કે 16 જાન્યુઆરીથી જ અયોધ્યામાં ખાસ અનુષ્ઠાન કાર્યક્રમો શરૂ થઈ જશે.