રાહુલ ગાંધીની ગળે લાગવાની હરકત વિશે યોગગુરુ બાબા રામદેવે આપ્યું મોટું નિવેદન
ગઈ કાલે બીજેપી વિશ્વાસનો મત જીતી ગઈ હતી
અમર કાણે, મુંબઈ : લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે લાગવાની ઘટના પર યોગગુરુ બાબા રામદેવે પોતાની પ્રતિક્રિયા આપી છે. બાબા રામદેવે કહ્યું છે કે આ વાતની મજાક ન ઉડવી જોઈએ. વિરોધ મનમાં નહીં પણ સમર્થન તેમજ વિરોધના મુદ્દાઓ પર આધારિત હોવો જોઈએ. રાજનીતિમાં આંકડાઓનો અનોખો ખેલ જોવા મળે છે. સમય બતાવશે કે 2019માં દેશનું દિલ કોણ જીતશે. બાબા રામદેવે કહ્યું છે કે મોદી સરકાર પાસે વિશ્વાસ મત જીતવા માટે વોટ પહેલાંથી જ હતા પણ આમ છતાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે મુદ્દા આધારિત ચર્ચા થઈ છે લોકતંત્ર માટે શુભ છે.
લોકસભામાં વિપક્ષની તરફથી નરેન્દ્ર મોદીની એનડીએ સરકારની વિરુદ્ધ રજુ થયેલ અવિશ્વાસનો પ્રસ્તાવ શુક્રવારે ચર્ચા બાદ વોટિંગ માટે આવ્યો હતો. આ દરમિયાન ઘણા અસંતુષ્ટ સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. અવિશ્વાસના પક્ષમાં 126 જ્યારે વિરોધમાં 325 મત આવ્યા હતા. કુલ 425 મત પડ્યા હતા. લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને વોટિંગ બાદ જાહેરાત કરી કે ભાજપ સરકારની વિરુદ્ધનો અવિશ્વાસનો પ્રસ્તાવ ભાંગી પડ્યો છે. તે અગાઉ આખો દિવસ પ્રસ્તાવ પર ચર્ચા થતી રહી હતી. જેમાં સભ્યોને ચર્ચા માટે કુલ 7 કલાકનો સમય ફાળવાયો હતો. પ્રશ્નકાળ સાથે સાથે બિન સરકારી કામકાજ થયું નહોતું.
ગઈ કાલે ગૃહમાં થયેલી ચર્ચા દરમિયાન રાહુલની હરકતની સ્પિકર સુમિત્રા મહાજને ટીકા કરી હતી. સ્પિકરે કહ્યું હતું કે ગૃહમાં આવા ડ્રામા જોઈને હું પણ હેરાન રહી ગઈ. પીએમ પદની ગરિમા હોય છે. નરેન્દ્ર મોદી પીએમ તરીકે સંસદમાં બેઠા છે. ગળે મળ્યા પછી રાહુલે આંખ મારી અને આ હરકત ખોટી છે. લોકસભા અધ્યક્ષે કહ્યું કે એ સમજી લો કે સંસદની ગરિમા આપણે રાખવી પડશે. કોઈ બહારનું આવીને નહિં રાખે. આપણે પોતે પણ સાંસદ તરીકે આપણી પોતાની ગરિમા રાખવી પડશે. હું ઈચ્છું છું કે તમામ લોકો પ્રેમથી રહો. તેમણે કહ્યું કે કોઈને ગળે મળવું ખોટું નથી પણ સંસદની ગરિમા પણ બનાવી રાખવાની હોય છે.