પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં પૂર સ્થિતિમાં સુધારો, અસમમાં સ્થિતિ યથાવત
અસમને બાદ કરતાં બાકીના પૂર્વોત્તર રાજ્યોમાં પૂરની સ્થિતિમાં સોમવારે સુધારો જોવા મળ્યો હતો. અસમમાં બે લોકોના મોત સાથે ક્ષેત્રમાં પૂરની ઘટનાઓમાં કુલ 25 લોકોના મોત નિપજ્યા છે. મિઝોરમ, ત્રિપુરા અને મણિપુરમાં જળસ્તર ઘટી રહ્યું છે.
ગુવાહાટી/અગરતલા/ઇંફાલ: અસમને બાદ કરતાં બાકીના પૂર્વોત્તર રાજ્યોમાં પૂરની સ્થિતિમાં સોમવારે સુધારો જોવા મળ્યો હતો. અસમમાં બે લોકોના મોત સાથે ક્ષેત્રમાં પૂરની ઘટનાઓમાં કુલ 25 લોકોના મોત નિપજ્યા છે. મિઝોરમ, ત્રિપુરા અને મણિપુરમાં જળસ્તર ઘટી રહ્યું છે જ્યારે અસમના છ પ્રભાવિત જિલ્લામાં પૂરની સ્થિતિ વધુ વિકરાળ થઇ છે. અસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (અએસડીએમએ)એ આજે જણાવ્યું હતું કે અસમની બરાક ઘાટીમાં કછાર અને હૈલાકાંડીમાં બે લોકોના મોતની સાથે કુલ 14 લોકોના મોત નિપજ્યા છે.
સૌથી વધુ કરીમગંજ જિલ્લો પ્રભાવિત થયો છે. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે વહિવટીતંત્ર પાસે બચાવ અને રાહત કાર્યોમાં વધુ વેગ લાવવા માટે કહ્યું છે. રાજ્યમાં કુલ 437 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે, જ્યાં 1,59,652 લોકોએ શરણ લીધી છે. પૂરના લીધે 2,186 હેક્ટરનો પાક બરબાદ થઇ ગયો છે. પૂરથી પ્રભાવિત ત્રિપુરામાં સ્થિતિમાં સુધારો થયો છે.
પેટાચૂંટણીમાં આકરી હાર બાદ ભાજપે 2019 માટે શરૂ કર્યું મંથન
અધિકારીઓએ જણાવ્યું કે બધી મોટી નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી નીચે વહી રહ્યા છે. સૌથી વધુ પ્રભાવિત ઉનાકોટીના જિલ્લા મેજિસ્ટ્રેટ ડી દરલોંગે જણાવ્યું કે ''રાહત સેવાઓ, ભોજન અને દવાઓ પહોંચાડવાનું કામ પુરઝડપે ચાલી રહ્યું છે. અમે સ્થ્તિ પર નજર રાખી રહ્યા છે.''
તેમણે જણાવ્યું કે ઉનાકોટી જિલ્લામાં લગભગ 72,000 લોકો હજુ રાહત શિબિરો રહી રહ્યા છે. પૂરના લીધે ત્રિપુરામાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત નિપજ્યા છે.પૂર્વોત્તર સીમાંત રેલવે (એનએફઆર)ના પ્રમુખ જનસંપર્ક અધિકારી પી જે શર્માએ જણાવ્યું કે લુમડિંગ-બદરપુર-અગરતલા ખંડ પર નિયમિત યાત્રી ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવી છે. વિભિન્ન સ્થળો પર રસ્તા પર ભૂસ્ખલન અને રેલવે લાઇનો ડૂબવાના લીધે ત્રિપુરા અને અસમનો એક ભાગ 13 જૂન સુધી બાકી દેશથી કપાયેલો છે. મિઝોરમમાં ત્રણ નદીઓમાં જળસ્તર ઘટવાથી સ્થિતિમાં સુધારો થયો છે. મણિપુરમાં પણ પરિસ્થિતિ ઠીક છે. ઇંફાલમાં મોટાભાગની નદીઓ ખતરાના સ્તરથી નીચે વહી રહી છે.