સાવધાન! ક્રિસમસ પર બાળકોને પ્લાસ્ટિકના રમકડાં અપાવતાં પહેલાં ચેતી જજો
પ્લાસ્ટિકના રમકડાં અંગે ટોક્સિક લિંકના રિપોર્ટમાં `ડાયોટક્સિન` નામના એક નવા ટોક્સિક(ઝેરી તત્વ)નો ખુલાસો થયો છે, જેનાથી બાળકોના મગજનો વિકાસ અટકી જાય છે અને કેન્સર થવાનું પણ જોખમ રહેલું છે
સુમન અગ્રવાલ/નવી દિલ્હીઃ આ ક્રિસમસ પર તમારા બાળકોને પ્લાસ્ટિકના રમકડાં અપાવતાં પહેલાં ચેતી જજો. તાજેતરમાં જ પ્લાસ્ટિકના રમકડાં અંગે ટોક્સિક લિંકનો જે રિપોર્ટ આવ્યો છે તે અત્યંત ચોંકાવનારો છે. આ રિપોર્ટમાં 'ડાયોટક્સિન' નામના એક નવા ટોક્સિક(ઝેરી તત્વ)નો ખુલાસો થયો છે, જે પ્લાસ્ટિકના રમકડામાં જોવા મળે છે. આ અગાઉ, લેડ અને થાઈલેટ નામના ખતરનાક ટોક્સિક પ્લાસ્ટિકનાં રમકડામાં જોવા મળતા હતા. આ નવો ટોક્સિક ઈલેક્ટ્રોનિક રમકડામાં જોવા મળે છે.
ઝી બિઝનેસના રિપોર્ટરે જ્યારે આ રિપોર્ટ અંગે ગ્રાહક મંત્રાલય સાથે વાતચીત કરી તે જાણવા મળ્યું કે, મંત્રાલયે BIS સાથે મળીને રમકડાંના ધોરણ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. તેના માટે ઉદ્યોગ મંત્રાલયને એક પત્ર પણ મોકલી દેવાયો છે. ઉદ્યોગ મંત્રાલયે તેના પર કામ શરૂ કરી દીધું છે અને વર્ષ 2019ના એપ્રિલ સુધીમાં રમકડાં બનાવતી કંપનીએ નવા ધોરણોનું પાલન કરવાનું રહેશે. એટલે કે, હવે પ્લાસ્ટિકના રમડકામાં જે કોઈ એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે એ તમામનું એક ચોક્કસ પ્રમાણ નક્કી થઈ જશે.
ભુલી જાઓ 'Wi-Fi', આવી ગઈ છે 'Li-Fi' : જે બદલી નાખશે તમારી ઈન્ટરનેટની દુનિયા
રિપોર્ટમાં શું લખ્યું છે?
30 નવેમ્બરના રોજ રિલીઝ થયેલા આ રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે કે, આજકાલ ભારતમાં જે કોઈ રમકડાં બહારથી આવી રહ્યા છે કે ભારતમાં તેનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં એક નવા પ્રકારના 'ડાયોટક્સિન' નામના ટોક્સિકનું મિશ્રણ કરવામાં આવે છે. જો બાળક રમકડું મોઢામાં લે તો આ ઝેરી તત્વ તેના શરીરમાં પ્રવેશી જાય છે અને તેની સીધી અસર મગજ પર થાય છે. આ ઝેરી તત્વ માત્ર બાળકોને જ નહીં મોટેરાંને પણ નુકસાનકારક છે.
સમગ્ર વિશ્વમાં તેના પર પ્રતિબંધ લગાવાની માગણી થઈ રહી છે. જોકે, WHOમાં તેના અંગે કોઈ ગાઈડલાઈન્સ નથી. ટોક્સિક લિંક પ્રોગ્રામના કોઓર્ડિનેટર પિયુષ મહાપાત્રએ જણાવ્યું કે, "આ ઝેરી તત્વનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોમાં થાય છે. રિસાઈકલિંગવાળા પ્લાસ્ટિકથી બનતા રમકડામાં તેનો ઉપયોગ થાય છે. 9 દેશમાં આ અંગે અભ્યાસ કરાયો છે. જાપાન, ચીન પછી ભારત ચોથા ક્રમે છે."
પ્લાસ્ટિકના રમકડાથી બાળકો રમવાને બદલે મોઢામાં વધુ લેતા હોયછે. મેક્સ હોસ્પિટલમાં બાળકોનાં ડોક્ટર તપીશાજી કુમારે જણાવ્યું કે, ડાયટક્સિન દરેકના માટે અત્યંત હાનિકારક છે. તે શરીરિક વિકાસમાં વિઘ્ન પેદા કરવાની સાથે જ માનસિક વિકાસ પણ અટકાવી દે છે. બાળકોની રોગપ્રતિકાર શક્તિ ઘટી જાય છે. તેમના મગજ પર ઊંડી અસર થાય છે. તેનાથી કેન્સરનું પણ જોખમ રહેલું છે.