SC/ST કાયદા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ કાલે ભારત બંધ, સુરક્ષા કડક
અનુસૂચિત જાતિ, જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એસએસી/એસટી એક્ટ)ને લઈને આવેલા સુપ્રીમ કોર્ટના હાલના ચુકાદાના વિરોધમાં દલિત અને આદિવાસી સંગઠનોએ દેશભરમાં 2 એપ્રિલે ભારત બંધનું આહ્વાન કર્યું છે.
નવી દિલ્હીઃ અનુસૂચિત જાતિ, જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એસએસી/એસટી એક્ટ)ને લઈને આવેલા સુપ્રીમ કોર્ટના હાલના ચુકાદાના વિરોધમાં દલિત અને આદિવાસી સંગઠનોએ દેશભરમાં 2 એપ્રિલે ભારત બંધનું આહ્વાન કર્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં વધારાનો સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. બીજીતરફ કેન્દ્ર સરકારે કહ્યું કે તે SC/ST એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં સોમવારે પુનઃવિચાર અરજી દાખલ કરશે.
કેપ્ટન અમરિંદરની અપીલ
પંજાબમાં ભારત બંધનું એલાન જોતા રવિવારે 5 કલાકથી સોમવારે 11 કલાક સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. શાળા-કોલેજો પણ બંધ રહેશે. આ સાથે રાજ્ય સરકારે સોમવારે સરકારી પરિવહન સેવાને પણ રદ્દ કરી દીધી છે. બંધને લઈને પંજાબ સરકારે રાજ્યમાં હાજર તમામ આર્મી બેઝ અને કેમ્પસના યૂનિટને એલર્ટ પર રહેવાની ભલામણ મોકલી છે.
પંજાબના મુખ્ય સચિવ કરન એ સિંહે કેન્દ્ર સરકારના રક્ષા સચિવને પત્ર લખીને સૈન્ય દળોની માંગ કરી છે જેથી કોઇ આપાત સ્થિતિને પહોંચી શકાય અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે. પંજાબના મુખ્યપ્રધાન અમરિંદ સિંહે પણ પ્રદર્શન દરમિયાન દલિત સંગઠનોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
સુપ્રીમ કોર્ટે એક આદેશમાં એસસી/એસટી એક્ટના દુરૂપયોગ પર ચિંતા વ્યક્ત કરતા આ મામલામાં તુરંત ધરપકડની જગ્યાએ શરૂઆતી તપાસની વાત કરી હતી. આ આદેશમાં જસ્ટિસ એકે ગોયલ અને યૂયૂ લલિતની પીઠે કહ્યું હતું કે, સાત દિવસની અંદર શરૂઆત તપાસ જરૂર પૂર્ણ થવી જોઈએ.
દલિત સંગઠનનો વિચાર
બીજીતરફ દલિત અને આદિવાસી સંગઠનોનું કહેવું છે કે આ કાયદો દલિત વિરુદ્ધ ઉપયોગ થનારા જાતિસૂચક શબ્દો અને હજારો વર્ષોથી ચાલ્યા આવતા અત્યાચારને રોકવામાં મદદ કરી રહ્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે દલિતોને નિશાન બનાવવા સરળ થઈ જશે.
પુનઃવિચાર અરજી દાખલ કરવાની માંગ
ભારત બંધના આહ્વાનને ઘણા દલિત નેતાઓનું સમર્થન હાસિલ છે. ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ લોકોને ભારત બંધમાં સામેલ થવા આહ્વાન કર્યું છે. ભાજપના દલિત સાંસદ કેન્દ્ર સરકાર પાસે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ પુનઃવિચાર અરજી દાખલ કરવાની માંગ કરી રહ્યાં છે. આ માટે દલિત સાંસદોના પ્રતિનિધિમંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વિરોધ દર્શાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં વકીલ સંતોષ કુમારનું કહેવું છે કે, મુખ્ય કોર્ટે રાષ્ટ્રીય અપરાધ બ્યૂરોના તે આંકડાઓ પર વિચાર ન કર્યો જે દર્શાવે છે કે 2014માં દલિતો વિરુદ્ધ 47064 ગુનાઓ થયા. એટલે કે સરેરાશ દર કલાકે દલિતો વિરુદ્ધ પાંચથી વધુ ગુનાઓ થયા છે. ગુનાની ગંભીરતાને જોઈએ તો આ દરમિયાન દરેક દિવસે બે દલિતોની હત્યા અને દરરોજ સરેરાશ 6 દલિત મહિલાઓ બળાત્કારનો ભોગ બનેલી છે. રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર 2004 થી 2013 સુધી 6,490 દલિતોની હત્યાઓ થઈ અે 14,253 મહિલાઓની સાથે બળાત્કાર થયો છે.