છત્તીસગઢમાં લોકસભા ચૂંટણી 2024ના ફર્સ્ટ ફેઝના વોટિંગ પહેલા સુરક્ષાકર્મીઓએ કાંકેર જિલ્લામાં અથડામણમાં 29 જેટલા નક્સલીઓનો ખાતમો બોલાવ્યો. આ રાજ્યમાં અત્યાર સુધીની આ સૌથી મોટી અથડામણ છે. જેમાં નક્સલીઓના અનેક સીનિયર કમાન્ડર પણ માર્યા ગયા. છત્તીસગઢમાં અત્યાર સુધીના ઈતિહાસમાં આ કોઈ પણ અથડામણમાં નક્સલીઓના સૌથી વધુ મોત છે. આ વર્ષે અત્યાર સુધીમાં માઓવાદીઓના ગઢ બસ્તર રીઝનમાં સુરક્ષા દળો સાથે અલગ અલગ અથડામણમાં અત્યાર સુધીમાં 79 નક્સલીઓ માર્યા ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ભીષણ ફાયરિંગમાં 3 સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે અને ઘટનાસ્થળેથી મોટા પાયે હથિયારો મળી આવ્યા છે. સુરક્ષા દળોએ આ એન્કાઉન્ટરમાં શંકર રાવને પણ મારવામાં સફળતા મેળવી છે. તે દંડકારણ્ય ડિવિઝનમાં નક્સલીઓનો સૌથી મોટો અને પ્રભાવશાળી કમાન્ડર હતો. શંકર રાવ પોતાના ડિવિઝનનો મિલેસ્ટ્રી ઈન્ટેલિજન્સ ચીફ હતો અને તેના પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતું. 


છત્તીસગઢના ડેપ્યુટી સીએમ વિજય વર્મા કે જેમની પાસે ગૃહ વિભાગ પણ છે તેમણે આ અથડામણને નક્સલીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક ગણાવી. તેમણે કહ્યું કે આ ખુબ મોટી સફળતા છે અને તેનો સંપૂર્ણ શ્રેય આપણા બહાદુર સુરક્ષાકર્મીઓને જાય છે. બસ્તર રેન્જના પોલીસ મહાનીરિક્ષક (નક્સલ ઓપરેશન) સુંદરરાજ પીએ કહ્યું કે અથડામણ મંગળવાર બપોરે લગભગ 2 વાગે છોટેબેઠિયા પોલીસ મથક વિસ્તાર અંતર્ગત બનાગુંડા અને કોરોનાર ગામ વચ્ચે હાપાટોલાના જંગલમાં થઈ જ્યારે બીએસએફ અને રાજ્ય પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)ની જોઈન્ટ ટીમ એક અભિયાન પર નીકળી હતી. 


તેમણે જણાવ્યું કે આ ઓપરેશન પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી)ના નોર્થ  બસ્તર ડિવિઝનના સીનિયર કેડરો શંકર, લલિતા, રાજૂ અને અન્યની હાજરી વિશે મળેલા ઈનપુટના આધારે શરૂ કરાયું હતું. વરિષ્ઠ આઈપીએસ અધિકારીએ કહ્યું કે વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે ભીષણ ફાયરિંગ થયું. ઘટનાસ્થળેથી નક્સલીઓના 29 જેટલા મૃતદેહો, એકે 47, એસએલઆર, ઈન્સાસ અને .303 રાઈફલ સહિત ભારે પ્રમાણમાં હથિયારો મળી આવ્યા. નક્સલ પ્રભાવિત બસ્તર લોકસભા સીટ પર 19 એપ્રિલે મતદાન છે. જ્યારે કાંકેરમાં 26 એપ્રિલે મતદાન છે. 


આઈજી સુંદરરાજે કહ્યું કે વિસ્તારમાં હજુ પણ સર્ચ અભિયાન ચાલુ છે. અથડામણમાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. તેઓ આઉટ ઓફ ડેન્જર છે. તેને સારવાર માટે એરલિફ્ટ કરીને રાયપુર લઈ જવાયા છે. માર્યા ગયેલા નક્સલીઓની હજુ ઓળખ થઈ નથી. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે તેમનામાં પ્રતિબંધિત સંગઠન સીપીઆઈ (માઓવાદી)ના નોર્થ બસ્તર ડિવિઝનના વરિષ્ઠ  કેડર પણ સામેલ છે. મૃતકોમાં માઓવાદીઓના નોર્થ બસ્તર ડિવિઝનના ડિવિઝનલ કમેટીના સભ્ય શંકર અને લલિતા પણ સામેલ છે, તેની પૂરી શક્યતા છે. 


કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે બીનાગુંડા અને આજુબાજુના વિસ્તારોમાં માઓવાદીઓની મૂવમેન્ટની જાણકારીના આધારે 15 એપ્રિલના રોજ સાંજે ઓપરેશન શરૂ કરાયું હતું. અમે સ્થાનિક અધિકારીઓ સાથે 5 ઈનપુટ શેર કર્યા હતા જેમાં બીનાગુંડા વિસ્તારમાં માઓવાદીઓની નોર્થ બસ્તર ડિવિઝન કમિટીના સટીક સ્થાન આપનારા 2 ઈનપુટ સામેલ હતા. બીનાગુંડા 5 એપ્રિલથી માઓવાદીઓના સ્થાયી શિબિર તરીકે કામ કરતું હતું. રાજ્યના ગૃહમંત્રી વિજય શર્માએ કહ્યું કે જ્યારથી ડબલ એન્જિન સરકારે છત્તીસગઢમાં કમાન સંભાળી છે ત્યારથી નક્સલ વિરોધી મોરચે સકારાત્મક ચીજો થઈ છે.