મુઝફ્ફરપુરની ઘટનાથી અમે શર્મસાર થયા, કોઈ પણ દોષિતને છોડવામાં નહીં આવે: નીતિશકુમાર
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે મુઝફ્ફરપુર બાલિકાગૃહમાં થયેલા શારીરિક શોષણ અને દુષ્કર્મની ઘટનાને ધૃણિત અને શર્મસાર કરનારી ગણાવી છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ ઘટનાથી ખુબ પીડા થઈ છે.
પટણા: બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે મુઝફ્ફરપુર બાલિકાગૃહમાં થયેલા શારીરિક શોષણ અને દુષ્કર્મની ઘટનાને ધૃણિત અને શર્મસાર કરનારી ગણાવી છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ ઘટનાથી ખુબ પીડા થઈ છે. સીએમ નીતિશકુમારે કહ્યું કે સિસ્ટમમાં કમીના કારણે આવું થાય છે. અમે તમામ વાતની જાણકારી લીધી છે. તેમણે બિહારના લોકોને ખાતરી આપતા કહ્યું કે દોષિતોને છોડવામાં આવશે નહીં. મુખ્યમંત્રી કન્યા ઉત્થાન યોજનાના ઉદ્ધાટન અવસરે નીતિશકુમારે આ નિવેદન આપ્યું.
તેમણે કહ્યું કે સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે. સરકારે અટોર્ની જનરલને કહ્યું છે કે હાઈકોર્ટની નિગરાણીમાં તપાસ થાય. આ અવસરે સીએમ નીતિશકુમારે કહ્યું કે આવી ઘટના ભવિષ્યમાં ન થાય તે માટે પારદર્શક તંત્ર બનાવવામાં આવશે. આ દરમિયાન તેમણે કહ્યું કે 'પીડિત બાળકીઓના મનમાં ખુબ પીડા છે. કેટલાક લોકો માનસિક રીતે વિકૃત હોય છે, જે આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે. જ્યાં સુધી હું છું, સમાજસુધારનું કામ કરતો રહીશ. હું જ્યાં સુધી રહીશ, કાયદાનું રાજ રહેશે.'
સીએમ નીતિશકુમારે આ અવસરે કહ્યું કે આવી ઘટનાઓના ચક્કરમાં સમાજ ન પડે. કોઈ વ્યવસ્થાની કમર ન તોડે. આરોપીઓને કાયદાની કોર્ટમાં ઊભા કરીશ અને દોષિતોને સજા અપાવીશ. અત્રે જણાવવાનું કે નીતિશકુમારે આજે પટણામાં મુખ્યમંત્રી કન્યા ઉત્થાન યોજનાની શરૂઆત કરી.
આ યોજના હેઠળ એક વર્ષમાં કુલ 2221 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ અવસરે નીતિશકુમારે કહ્યું કે નારી સશક્તિકરણ માટે બિહાર સરકારે ખુબ કામ કર્યુ છે. મહિલાઓ માટે 50 ટકા અનામતની વ્યવસ્થા કરવામાં આવી.