પટનાઃ કર્પૂરી ઠાકુરને ભારતરત્નનું સમ્માન મળતાં નીતિશકુમાર સૌથી વધારે ખુશ છે. સભાને સંબોધન કરતા તેમણે બે મોટા સંકેત આપ્યા. એક તો પરિવારવાદના નામે પોતાના જ સાથી પક્ષ આરજેડી પર પ્રહાર અને બીજું NDAની નજીક જવાનો અણસાર...જે બિહારના રાજકારણમાં નવાજૂનીના સંકેત આપે છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્પૂરી ઠાકુરને ભારતરત્ન દેખીતી રીતે તો એક મહાન વ્યક્તિત્વનું સમ્માન છે. પણ આ મુદ્દે હવે જશ લેવાની હોડ મચી ગઈ છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર આ હોડમાં સૌથી આગળ છે. 


તેના દેખીતા કારણો પણ છે. નીતશકુમારનો રાજકારણમાં પ્રવેશ સમાજવાદી આંદોલનનું પરિણામ જ છે, જેના એક પ્રણેતા કર્પૂરી ઠાકુર હતા. ઠાકુરનો પક્ષ જનતા દળ જ્યારે વિખરાયો, ત્યારે જનતા દળના નામ સાથે જ અનેક પક્ષો અસ્તિત્વમાં આવ્યા. નીતીશકુમારનો પક્ષ જનતા દળ યુનાઈટેડ પણ તેમાંથી જ એક છે.


આ જ કારણ છે કે નીતીશે બુધવારે કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતિ પર જાહેર રેલી યોજી હતી, જેમાં તેમણે એકથી વધુ સંકેત આપ્યા..જેમાં પ્રધાનમંત્રીનો પ્રત્યક્ષ અને આરજેડીનો પરોક્ષ ઉલ્લેખ હતો. 


આ પણ વાંચોઃ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ ભક્તોએ દિલ ખોલીને આપ્યું દાન, પ્રથમ દિવસે બન્યો રેકોર્ડ


પ્રધાનમંત્રી મોદીએ કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. અહીં એ પણ જાણી લેવું જોઈએ કે રામનાથ ઠાકુર નીતિશકુમારના પક્ષ જેડીયુમાંથી સાંસદ છે. જેને જોતાં નીતિશકુમારે પોતાના સંબોધનમાં આ બનાવનો પણ ઉલ્લેખ કર્યો.


નીતિશકુમારે એ વાત સ્પષ્ટ કરી કે તેમને પ્રધાનમંત્રી તરફથી ફોન આવવાની અપેક્ષા હતી. જો કે સ્ટેજ પરથી જ તેમણે પ્રધાનમંત્રીને આડકતરો સંકેત પણ આપી દીધો. રામનાથ ઠાકુરને જેડીયુમાં અપાયેલા હોદ્દા ગણાવીને નીતિશકુમારે વધુ એક ક્રેડિટ લેવાનો પ્રયાસ કર્યો..


કર્પૂરી ઠાકુરનો ઉલ્લેખ કરતાં નીતિશકુમારે પરિવારવાદનો મુદ્દો પણ છેડી દીધો. તેમનું કહેવું હતું કે કર્પૂરી ઠાકુરે ક્યારેય પોતાના પરિવારને આગળ નથી વધાર્યો, તેનાથી આગળ વધતાં નીતિશકુમારે કેટલાક પક્ષોને પરિવારવાદમાં લિપ્ત ગણાવ્યા...તેમનો સંકેત આરજેડી તરફ હોવાની ચર્ચા છે. જે બિહાર સરકારમાં ભાગીદાર છે..


લાલુ યાદવનો આખો પરિવાર રાજકારણમાં છે. તેમના પુત્ર તેજસ્વી બિહારના નાયબ મુખ્યમંત્રી છે. જ્યાર તેજસ્વીના મોટા ભાઈ તેજપ્રતાપ પણ બિહારના કેબિનેટ મંત્રી છે. લાલુના પુત્રી મીસા યાદવ પણ રાજકારણમાં સક્રિય છે. જ્યારે લાલુના પત્ની રાબડી દેવી લાલુના જેલવાસ દરમિયાન બિહારના મુખ્યમંત્રી બન્યા હતા.  નીતિશકુમાર કદાચ આ જ પરિવારવાદની વાત કરતા હતા.


આ પણ વાંચોઃ લોકસભામાં કોનાં કપાશે પત્તાં? ભાજપ કરવા જઈ રહ્યું છે ફરી આ પ્રયોગ? શું છે મેગા પ્લાન


એમ પણ છેલ્લા ઘણા સમયથી એવી અટકળો છે કે નીતિશકુમાર વિપક્ષના ગઠબંધનનો સાથ છોડીને ફરી NDAમાં જોડાઈ શકે છે.  તેનું કારણ એ છે કે તેઓ વિપક્ષના ગઠબંધનમાં પણ રસ નથી લઈ રહ્યા. ગઠબંધનના સંયોજક પદે પોતાની નિમણૂંકને અભેરાઈએ ચઢાવી દેવાતાં નીતિશ નારાજ હોવાનું પણ જણાવાય છે. એવામાં જો તેમણે NDAમાં સામેલ થવું હોય તો RJDનો સાથ છોડવો પડે. અગાઉ RJDનો સાથ છોડતી વખતે નીતિશે લાલુ યાદવ પરના ભ્રષ્ટાચારના આરોપને આગળ ધર્યા હતા.  હવે કદાચ આ કારણ પરિવારવાદ હોઈ શકે છે..


એમ પણ રાજકારણમાં નીતિશકુમારની ઈમેજ ગમે ત્યારે પાટલી બદલનાર નેતા તરીકેની છે. લોકસભાની ચૂંટણી હવે વધારે દૂર નથી, ત્યારે સૌની નજર હવે બિહાર પર છે..