નવી દિલ્હી : કોરોના સંકટ અને લોકડાઉનનાં કારણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુરૂવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઇ હતી. આ દરમિયાન કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા. સોનિયા ગાંધીએ કહ્યું કે, 21 દિવસનું લોકડાઉન જરૂરી હતું, પરંતુ અનિયોજીત રીતે લાગુ કરવામાં આવ્યું. લોકડાઉનનાં કારણે લાખો પ્રવાસીઓ મજુરોને પરેશાની થઇ. સોનિયા ગાંધીના આ નિવેદન અંગે અનેક ભાજપ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ દ્વારા શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોનિયા ગાંધીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું. તેમણે ટ્વીટમાં લખ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કોરોના વાયરસ સામે લડવાની પ્રશંસા સમગ્ર દેશ જ નહી પરંતુ વિશ્વ કરી રહ્યું છે. કોવિડ 19 ને હરાવવા માટે 130 કરોડ ભારતીય એકત્રીત છે. તેમ છતા પણ કોંગ્રેસ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહી છે. આ એવો સમય છે જ્યારે તેમને પહેલા રાષ્ટ્ર હિત અંગે વિચારવું જોઇએ અને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરી દેવું જોઇએ. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોનિયા ગાંધી અંગે ટીપ્પણી કરતા કહ્યું કે, સંપુર્ણ વિશ્વમાં વડાપ્રધાન મોદીનાં નેતૃત્વની ભારત સરકારનાં પ્રયાસોનાં વખાણ થઇ રહ્યા છે. વડાપ્રધાન તમામ રાજ્યોની સરકારોને સાથે લઇને ભારતીય ટીમની જેમ કામ કરી રહ્યા છે. આ આકરા સમયમાં કોંગ્રેસ એક જવાબદાર રાજનીતિક દળ તરીકે કામ કરવું જોઇએ. 

આજે જ્યારે સમગ્ર દેશ એક થઇને વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં કોવિડ 19 વિરુદ્ધ લડાઇ લડી રહ્યું છે, તે સમયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા અપાયેલું નિવેદન સંવેદનહીન અને અશોભનીય છે. આ રાજનીતિ કરવાનો નહી પરંતુ દેશની સેવા કરવાનો સમય છે, આપણે એક થઇને લડવું જોઇએ.