છત્તીસગઢ માટે ભાજપનો `અટલ સંકલ્પ પત્ર`, વાયદો કર્યો કે...
આગામી છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું છે.
નવી દિલ્હી : આગામી છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું છે. શનિવારે બીજેપી અધ્યક્ષ અમિત શાહે એક સમારોહમાં પાર્ટીનું ઘોષણાપત્ર 'અટલ સંકલ્પ પત્ર'ના નામથી જાહેર કરી દીધું છે. આ સમય દરમિયાન તેમણે રાજ્યની બીજેપી સરકાર અને મુખ્યમંત્રી રમણ સિંહના કાર્યની પ્રશંસા કરી છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે આ ઘોષણાપત્રની જાહેરાત દરમિયાન કહ્યું છે કે રાજ્યમાં પત્રકાર કલ્યાણ બોર્ડનું ગઠન કરવામાં આવશે તેમજ મહિલાઓને બિઝનેસ માટે વ્યાજ વગર બે લાખ રૂ.ની લોન આપવામાં આવશે. આ સિવાય છત્તીસગઢ ફિલ્મસિટીના નિર્માણની તેમજ 12 ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીને ફ્રીમાં પુસ્તકો તેમજ યુનિફોર્મ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
અમિત શાહે આ કાર્યક્રમમાં જણાવ્યું છે કે 'છત્તીસગઢ રાજ્યમાં ભાજપની સરકાર અને એના 15 વર્ષોએ દેશમાં કઈ રીતે કલ્યાણકારી રાજ્ય બની શકે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. રમણ સિંહે છત્તીસગઢને બદલવાનો ભરપુર સફળ પ્રયાસ કર્યો છે. અમારી સૌથી મોટી ઉપલબ્ધી નક્સલવાદ પર મૂકવામાં આવેલો અંકુશ છે. રમણજીએ નક્સલવાદને સંપૂર્ણ રીતે નાબૂદ કરી નાખ્યો છે.'
અમિત શાહે કહ્યું છે કે છત્તીસગઢને હેલ્થ હબ અને એજ્યુકેશન હબ પછી ડિજિટલ હબ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જનાદેશ અને જન આશીર્વાદને કારણે અમને ભરોસો છે કે ચોથી વાર સરકાર અમે જ બનાવીશું.