સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના મહાવિકાસ આઘાડી પર પ્રહાર
Maharashtra Assembly Elections: મહારાષ્ટ્રમાં પૂર્વ પોલીસ અધિકારી દ્વારા લગાવવામાં આવેલા આરોપ બાદ રાજકારણ ગરમાયું છે. હવે આ મુદ્દે ભાજપે મહાવિકાસ આઘાડી પર પ્રહારો કર્યા છે. ભાજપે પૂછ્યું કે, સુપ્રિયા સુલેએ સામે આવવું જોઈએ અને આરોપો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો જોઈએ. માત્ર એક પોસ્ટ કરી દેવાથી કામ નહીં ચાલે.
Maharashtra Assembly Elections: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા બે મોટા મુદ્દાઓ સામે આવ્યા છે. આમાંથી એક તો કેશ કાંડ છે જ્યારે બીજો બિટકોઈનની હેરાફેરીને લઈને છે. પુણેના એક પૂર્વ IPS અધિકારીએ સાંસદ અને NCP શરદ જૂથના નેતા સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે પર ગંભીર આરોપો લગાવ્યા છે. ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ આરોપ લગાવ્યો હતો કે, પટોલે અને સુલેએ 2018માં બિટકોઈનની હેરાફેરી કરી હતી. તે પૈસા હવે વિધાનસભાની ચૂંટણીમાં વાપરવામાં આવી રહ્યા છે. આ આરોપોને લઈને ભાજપે મહાવિકાસ આઘાડી પર પ્રહારો કર્યા છે.
ભાજપે મહાવિકાસ આઘાડી પર કર્યા પ્રહાર
ભાજપ સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, સુપ્રિયા એક મોટા નેતા છે, તેમણે નૈતિક રીતે જવાબ આપવો જોઈએ, તેમણે સામે આવીને આરોપો પર પોતાનો વિચાર વ્યક્ત કરવો જોઈએ. તેમણે લોકોને જણાવવું જોઈએ કે તેના પર લાગેલા આરોપોમાં તેની કોઈ સંડોવણી છે કે નહીં. તેમણે પૂછ્યું કે, હાથ શું કરામાત કરી રહ્યા છે, મોહબ્બતની દુકાનમાં સામાનનું પેમેન્ટ ક્યાંથી થઈ રહ્યું છે?
તેમણે કહ્યું કે, મીડિયામાં જે તથ્યો આવ્યા છે તે લોકશાહી માટે ચિંતાજનક છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું હતું કે, અમારી સરકાર આવશે અને અમે સંભાળી લીધું. સુપ્રિયા સુલે અને ગૌરવ મહેતા વચ્ચે ફોન પર વાતચીત થઈ છે. રૂપિયાને લઈને વાતચીત થઈ રહી છે.
આરોપો પર શું કહ્યું સુપ્રિયા સુલેએ?
ભાજપના આરોપો પર સુપ્રિયા સુલેની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સુલેએ કહ્યું કે, હું સુધાંશુ ત્રિવેદી દ્વારા મારા પર લાગેલા તમામ આરોપોને નકારું છું. આ બધી અટકળો અને સંકેતો છે અને હું ભાજપના કોઈપણ પ્રતિનિધિ સાથે જાહેર મંચ પર તેમની પસંદગીના સમયે અને તારીખે ચર્ચા કરવા તૈયાર છું.