નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીમાં મળેલી હાર બાદ ભાજપ માટે ત્રિપુરાથી શુભ સમાચાર આવ્યાં છે. પશ્ચિમ ત્રિપુરાની ચારીલામ વિધાનસભા બેઠક માટે થયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને નાયબ મુખ્યમંત્રી જિષ્ણુદેવ બર્મને જીત હાંસલ કરી છે. સીપીએમના ઉમેદવારના નિધન બાદ આ બેઠક પર 18 ફેબ્રુઆરીએ ચૂંટણી ટાળવામાં આવી હતી. 11 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પ્રચાર દરમિયાન હાર્ટ એટેકના કારણે સીપીએમના ઉમેદવાર રામ નારાયણ દેબબર્માનું નિધન થયું હતું. ત્યારબાદ 12 માર્ચના રોજ ચારીલામ બેઠક માટે વોટિંગ થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 માર્ચના રોજ થયેલા મતદાનમાં ચારીલામ વિધાનસભા બેઠક પર 36,793 મતદારોમાંથી 80 ટકાથી વધુ લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં મહિલા મતદારોની સંખ્યા 17,880 હતી. ચારીલામ બેઠક માટે ભાજપના ઉમેદવાર જિષ્ણુદેવ બર્મન અને માકપાના ઉમેદવાર પલાશ દેબબર્મા સહિત પાંચ ઉમેદવાર મેદાનમાં હતાં.




નોંધનીય છે કે હાલમાં જ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 60 સભ્યોની વિધાનસભામાં 35 બેઠકો હાંસલ કરી હતી. જ્યારે ઈન્ડીજીનિયસ પીપલ્સ પાર્ટી ઓફ ત્રિપુરા(આઈપીએફટી)એ આઠ બેઠકો પર કબ્જો જમાવ્યો હતો. બંને પાર્ટીઓના ગઠબંધનથી બે તૃતિયાંશ બહુમત મેળવીને ભાજપે ત્રિપુરામાં 25 વર્ષના સીપીએમના નેતૃત્વના ડાબેરી શાસનને ઉખાડી ફેંક્યુ હતું. ત્રિપુરામાં ગઠબંધનની સરકાર બન્યા બાદ બિપ્લબકુમાર દેબે 9 માર્ચના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. જ્યારે જિષ્ણુદેબ બર્માને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં હતાં.