નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો સ્થાપના દિવસ ખાસ રીતે ઉજવવા જઈ રહી છે. આ અવસરે આજે પાર્ટીના તમામ સાંસદો કમળના ફૂલવાળી ખાસ ભગવા રંગની ટોપી પહેરીને સંસદ પહોંચશે. આ ટોપી 11 માર્ચના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેરી હતી. ટોપીને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે તૈયાર કરાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં મંગળવારે થયેલી ભાજપની સંસદીય દળની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા તરફથી તમામ સાંસદોને કહેવાયું હતું કે છ એપ્રિલના રોજ પાર્ટીના સ્થાપના દિવસે આ ખાસ ટોપી પહેરીને તેઓએ સંસદ આવવાનું છે. આજે સવારે 10 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્થાપના દિવસના અવસરે વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યકરોને સંબોધિત કરશે. ભાજપના તમામ સાંસદો, પાર્ટી અધ્યક્ષ અને વરિષ્ઠ મંત્રીઓ સાથે પીએમ મોદીનું ભાષણ સાંભળશે. આ દરમિયાન તમામ ભગવા રંગની ટોપી પહેરેલી રાખશે અને બાદમાં સંસદ સત્રમાં પણ ટોપીઓ પહેરીને આવશે. 


ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના જણાવ્યાં મુજબ ભગવા રંગની આ ટોપી પહેલેથી જ ભાજપની છે પરંતુ તેમણે પ્રોફેશનલ વિદ્યાર્થીઓની મદદથી તેને ફરીથી બનાવડાવી. તેમાં બંને બાજુ ભાજપ લખેલું છે અને કમળનું ફૂલ પણ અંકિત છે. નોંધનીય છે કે ગત મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ભગવા રંગની આ ટોપી પહેરી હતી. પ્રધાનમંત્રી દ્વારા આ ટોપી પહેરવામાં આવ્યા બાદ કાર્યકરો વચ્ચે તેની માંગ જબરદસ્ત વધી છે. 


કેવી રીતે થયો દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપનો જન્મ? જાણો ભાજપના વિકાસમાં કેવી રહી સંઘની ભૂમિકા


સ્થાપના દિવસના અવસરે પાર્ટીએ મોટા પાયે ધ્વજારોહણ કરવાની પણ તૈયારી કરી છે. મળતી માહિતી મુજબ ભાજપના જેટલા પણ મંડળ, જિલ્લા છે તે દરેક જગ્યાએ ધ્વજારોહણ કરવામાં આવશે. દરેક કાર્યકરને તેમાં ભાગ લેવાનું કહેવાયું છે. આ વખતે સ્થાપના દિવસનું આકર્ષણ શોભા યાત્રા પણ રહેશે. તેમાં નાના મોટા દરેક કાર્યકર ભાગ લેશે. તમામના હાથમાં કમળના નિશાનવાળો ધ્વજ રહેશે અને તેઓ રસ્તા પર પાર્ટીનો પ્રચાર કરતા જોવા મળશે. પાર્ટીનું માનીએ તો 42 વર્ષમાં પહેલીવાર એવું બનશે કે ભાજપ સ્થાપના દિવસના અવસરે શોભા યાત્રા કાઢી રહ્યો છે. 


ભાજપના નેતાઓનું કહેવું છે કે આ વખતનો સ્થાપના દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે પાર્ટી સમગ્ર દેશમાં સામાજિક ન્યાય પખવાડિયું ઉજવવા જઈ રહી છે. જે હેઠળ 7 થી 20 એપ્રિલ સુધી અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરાશે. કેન્દ્રની જન કલ્યાણ યોજનાઓને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત 12 એપ્રિલના રોજ ભાજપ રસીકરણ દિવસ ઉજવશે. ત્યારબાદ 13 તારીખે ગરીબ કલ્યાણ અન્ન યોજના અંગે કાર્યક્રમનું આયોજન કરાશે. 


નરેન્દ્ર મોદી અને ભાજપ કઈ રીતે બની ગયા એકબીજાના પર્યાય? જાણો કેવો રહ્યો પક્ષ અને પ્રધાન સેવકના સંઘર્ષનો સફર


ભાજપ મુખ્યાલયમાં અનેક દેશના રાજદૂતોને આમંત્રણ
સ્થાપના દિવસના અવસરે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ અનેક દેશોના રાજદૂતોને પણ પાર્ટી મુખ્યાલયમાં આમંત્રિત કર્યા છે. આજે સાંજે 4 વાગે થનારા કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ રાજદૂતોને પાર્ટીના કાર્યક્રમો અને નીતિઓ અંગે માહિતગાર કરશે. અત્રે જણાવવાનું કે હાલમાં જ નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા પણ ભાજપના મુખ્યાલયમાં આમંત્રિત કરાયા હતા અને તેમણે ભાજપ અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube