બેંગ્લુરુ: કર્ણાટકના ચિકમંગલુરમાં ભાજપના મહાસચિવ મોહમ્મદ અનવરની ચાકૂ મારીને હત્યા કરી નાખવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. શુક્રવારે રાતે 9.30 વાગ્યે ભાજપના નેતા એક સ્થાનિક કાર્યક્રમમાંથી પાછા ફરી રહ્યાં હતાં ત્યારે અજાણ્યા બાઈક સવાર હુમલાખોરોએ તેમને ચાકૂ મારીને હત્યા કરી નાખી. ભાજપના નેતા પર હુમલાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અફડાતફડીમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે શુક્રવારે રાતે 9.30 વાગે મોહમ્મદ અનવર એક ખાનગી કાર્યક્રમથી પાછા ફરી રહ્યાં હતાં. ત્યારે ગવલી કલુવા પાસે અજાણ્યા બદમાશોએ તેમના પર ચાકૂથી હુમલો કર્યો. ભાજપના નેતા પર હુમલો કરનારા બદમાશો અંગે કોઈ સુરાગ મળ્યો નથી. અધિકારીઓએ એવી આશંકા વ્યક્ત કરી છે કે આ અંગત અદાવતનો મામલો હોઈ શકે છે. ભાજપના નેતાની હત્યા બાદ પ્રદેશના રાજકારણમાં એકવાર ફરીથી ગરમાવો આવી ગયો છે. આ મામલે કેટલાક સ્થાનિક નેતાઓના નિવેદનો પણ સામે આવ્યાં છે. સ્થાનિક નેતાઓએ આ હત્યા એક ષડયંત્ર હેઠળ કરાઈ હોવાનો મામલો ગણાવ્યો છે.



ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોમાં અનેક આરએસએસ કાર્યકર્તાઓ અને ભાજપના સ્થાનિક નેતાઓની હત્યાના મામલા સામે આવી ચૂક્યા છે. કર્ણાટકમાં 2016થી લઈને 2018 સુધીમાં આરએસએસ કાર્યકર્તાઓની હત્યાના કારણે રાજ્યમાં પહેલેથી તણાવની સ્થિતિ છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેઓ આ મામલે કશું કહી શકે નહીં.