નવી દિલ્હી: ટિકિટ ન મળવાથી નારાજ જોવા મળી રહેલા ભાજપના વર્તમાન ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાએ આજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ. રાજીનામું આપી દીધા બાદ આહૂજાએ પાર્ટી પર તાનાશાહીનો આરોપ પણ લગાવ્યો. આરએસએસની ખુબ નજીક ગણાતા આહૂજા અલવર જિલ્લાના રામગઢથી હાલ ધારાસભ્ય છે. ભાજપે જારી કરેલી ઉમેદવારોની ત્રીજી યાદીમાં પણ આહૂજાનું નામ ન જોવા મળતા તેઓ નારાજ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે JNU પર ચાલી રહેલા વિવાદ દરમિયાન 2016માં પોતાના કોન્ડોમ અંગેના નિવેદનના કારણે તેઓ ખુબ ચર્ચામાં આવ્યાં હતાં. તેમણે તે સમયે જેએનયુ પરિસરમાં રોજ હજારો કોન્ડોમ મળી આવે છે તેવું કહ્યું હતું. ત્યારબાદ મોબ લિન્ચિંગ અને લવ જેહાદના મુદ્દે પણ તેણે અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં હતાં. 


અત્રે જણાવવાનું કે ભાજપે રાજ્યની 200 વિધાનસભા બેઠકોમાંથી 170 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બહાર પાડવામાં આવેલી સૂચિમાં પણ અનેક ચર્ચિત ચહેરાને જગ્યા મળી નથી. જેમનું પત્તુ કપાયું તેમાં સૌથી ચર્ચિત નામ અલવરની રામગઢ સીટથી ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાનું રહ્યું. આ ઉપરાંત વર્તમાન મંત્રી બાબુલાલ વર્મા, રાજકુમાર રિનવા, અને ધનસિંહ રાવતના નામ પણ સામેલ છે. 


ટિકિટ ન મળવાથી નારાજ ભાજપના અનેક નેતાઓ કોંગ્રેસનો હાથ પકડી ચૂક્યા છે. આ બાજુ ટિકિટના અનેક દાવેદાર આ વિધાનસભા ચૂંટણીમાં બળવાખોર બનીને ભાજપ માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે.