ભાજપના ધારાસભ્યએ યુવાનોને કહ્યું, ``જો છોકરી ના પાડે તો તેનું અપહરણ કરીને તમારે હવાલે કરી દઈશ``
ધારાસભ્ય રામ કદમે સોમવારે રાત્રે મુંબઈમાં ઉપનગર ઘાટકોપર વિધાનસભા ક્ષેત્રના એક `દહીં હાંડી` કાર્યક્રમમાં આમ જણાવ્યું હતું
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સત્તાધારી ભાજપના ધારાસભ્યએ યુવાનોને સ્પષ્ટપણે જણાવ્યું કે, તમે જે છોકરીને પસંદ કરો છો, જો એ તમારી ઓફર ઠુકરાવે તો હું તમારા માટે તેનું 'અપહરણ' કરીને લાવીશ. ધારાસભ્ય રામ કદમ સોમવારે રાત્રે મુંબઈ ઉપનગર ઘાટકોપર વિધાનસભા ક્ષેત્રમાં એક 'દહીં હાંડી' કાર્યક્રમ દરમિયાન આમ બોલ્યા હતા. કદમ ઘાટકોપર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે.
એક વીડિયો ક્લિપમાં તેઓ ભીડને એવું સંબોધન કરી રહ્યા છે કે, "તમે (યુવાનો) કોઈ પણ કામ માટે મને મળી શકો છો." કદમ આગળ કહે છે કે, તેમને મદદ માટે એવા પણ કેટલાક યુવાનોની વિનંતી મળી છે કે જેમની ઓફર છોકરીઓએ ફગાવી દીધી હતી.
વીડિયોમાં તેઓ ભીડને સંબોધીને કહે છે કે, "હું મદદ કરીશ. 100 ટકા. જો તમે તમારા માતા-પિતાની સાથે મારી પાસે આવો તો. જો માતા-પિતા એ બાબતે રાજી થાય છે તો હું શું કરી શકું? હું એ છોકરીનું અપહરણ કરીને લાવીશ અને તેને (લગ્ન માટે) તમારે હવાલે કરી દઈશ." વીડિયોમાં કદમ ભીડને પોતાનો મોબાઈલ નંબર પણ આપતા સંભળાય છે.
આ વીડિયો ક્લિપ અંગે પુછતાં કદમે જણાવ્યું કે, તેમનાં નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. એએનઆઈના સમાચાર અનુસાર કદમે કહ્યું કે, 'મેં એમ કહ્યું હતું કે, દરેક યુવાન પછી તે છોકરો હોય કે છોકરી, તેના માતા-પિતાને વિશ્વાસમાં લઈને લગ્ન કરે. આટલું બોલ્યા બાદ હું થોડા સમય બાદ મૌન રહ્યો હતો. એ જ સમયે ભીડમાંથી કોઈએ જણાવ્યું કે, મેં તેને માઈ પર રીપિટ કર્યું અને ત્યાર બાદ હું ફરી કંઈક બોલ્યો હતો.'
કદમે જણાવ્યું કે, જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો ત્યાં આટલા બધા પત્રકાર હતા, તેમનું ધ્યાન મારા નિવેદન પર જરૂર જતું. તેમણે આવું કશું જ છાપ્યું નથી, કેમ કે તેમણે મારી આખી સ્પીચ સાંભળી હતી. વિરોધ પક્ષના નેતા 40 સેક્ન્ડનો વીડિયો ટ્વિટર પર વાયરલ કરીને ભ્રમ ફેલાવી રહ્યા છે.
જોકે, તેના આ નિવેદન પર એસીપીની તીખી પ્રતિક્રિયા જોવા મળી છે. એનસીપીએ જણાવ્યું કે, આ પ્રકારનાં નિવેદન સત્તામાં રહેલા "રાવણ જેવો" ચહેરો લઈને સામે આવે છે. મહારાષ્ટ્ર એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું કે, કદમ છોકરીઓના અપહરણ અંગે બોલી રહ્યા હતા. મલિકે જણાવ્યું કે, 'કદમે જે કંઈ પણ કહ્યું તે ભાજપના રાવણ જેવા ચહેરાનો ખુલાસો કરે છે.'